સમાન વેતન સમાન કામ સાથે આંદોલન ચલાવી રહેલી આંદોલનકારી આશા વર્કરો પૈકી એક આશા વર્કરનું સતત તણાવના કારણે મોત નીપજતા આશા વર્કરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આશા વર્કરના મોત માટે ગુજરાત સરકાર જવાબદાર હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે. આ ઉપરાંત પીએમ મોદી પર બંગડીઓ ફેંકવા સહિત અન્ય ગુનામાં આશા વર્કર અગ્રણી સહિત બે કાર્યકરોના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા આંદોલન ઉગ્ર બને તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઇ રહ્યા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેર નજીક આવેલા અનગઢ ગામમાં રહેતા દરીયાબહેન ભીમસિંહભાઇ વાઘેલા આશા વર્કરોના આંદોલનમાં પહેલા દિવસથી જોડાયા હતા. અને કલેક્ટર કચેરી ખાતે આયોજીત ધરણા અને ઉપવાસ સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. ગત 21 ઓક્ટોબરે પ્રદેશ ભાજપ મહિલા પ્રમુખ જ્યોતિબેન પંડ્યાનું પૂતળુ બાળ્યુ હતુ. તે દિવસે કાર્યક્રમમાં હાજર દરીયાબહેન વાઘેલાની એકાએક તબિયત બગડતા તેઓને તુરંત જ 108 એમ્બ્યુલન્સમાં ગોત્રી જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને અનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું.