ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ચોથા દિવસે લોકશાહીને શરમાવે તેવી ઘટના બની હતી વિધાનસભામાં કૉંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઇ હતી. જેમા કૉંગ્રેસના ધારાસભ્ય બળદેવજીભાઇ ઠાકોર પગમાં ઇજા થઇ હતી તો બીજેપીના મહિલા ધારાસભ્ય નર્મલાબેન વાઘવાણી, વલ્લભભાઇ કાકડીયા, શામજી ચૌહાણ પણ ઇજાગ્રસ્ત થયા હતા. વિધાનસભા ગૃહમાં ભાજપ કૉંગ્રેસમાં ઘર્ષણના પગલે ગૃહની કાર્યવાહીને એક કલાક સુધી સ્થગિત કરવામાં આવી હતી.
બળદેવજીભાઇ ઠાકોરે ખેડૂતોના આત્મહત્યા અંગે પ્રશ્નો પુછ્યા હતા. ત્યાર બાદ સભામાં ઉગ્ર બોલાચાલી થઇ હતી.
ગુજરાત વિધાનસભામાં ગુરુવારે સવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે જ ભાજપ કૉંગ્રેસના ધારાસભ્યો વચ્ચે મારામરીના દ્રશ્યો સર્જાયા હતા. ગૃહમાં કૉંગ્રેસના ધારાસભ્ય બળદેવભાઇ ઠાકોર દ્વારા જ્યારે આણંદની ઘટના બાદ ખેડૂતોમાં આત્મહત્યા અંગે પ્રશ્નો કર્યા હતા. ત્યાર બાદ લોકશાહીને શરમાવે તેવી ઘટના બની હતી.
આ સમગ્ર મામલે ભાજપ કૉંગ્રેસ એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતા. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપના ધારાસભ્યો પ્રફુલ પાનસેરિયા અને કાંતિ અમૃતિયા દ્વારા ગાળો બોલવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. આજનો દિવસ વિધાનસભાનો કાળો દિવસ ગણાવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, આ સરકારની છેલ્લી વિધાનસભા છે. અને મહિલા ધારાસભ્યને કોઇએ હાથ પણ નથી લગાવ્યો. આ સમગ્ર મામલે સીસીટીવી ફુટેજની ચકાસણી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
ડે.સીએમ નીતિન પટેલે આ સમગ્ર ઘટનાને દુઃખદ ગણઆવી હતી. વિરોઘ પક્ષ આરોપ મુક્તા જણાવ્યું હતું કે, બળદેવજી ઠાકોર દ્વારા મારામારી શરૂ કરવામાં આવી હતી. કૉંગ્રેસ સત્તા દૂર હોવાથી હત્તપ્રત થઇ ગઇ છે. સરકાર આ સમગ્ર ઘટનાને વખોડે છે અને કૉંગ્રેસના ધારાસભ્યો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારની ગુંડગર્દી યોગ્ય નથી.