માનવામાં આવે છે કે અશ્વિન શુક્લ દશમીના રોજ તારાનો ઉદય થતાં સમયે વિજય નામનો કાળ હોય છે. આ કાળ સર્વકાર્ય સિદ્ધિદાયક હોય છે અને એટલા માટે આ તહેવારને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે.
વિજયા દશમીના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. એટલા માટે પણ આજના દિવસને વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે.
વિજયા દશમીના પૌરાણિક મહત્વ અનુસાર શત્રુ પર વિજય મેળવવા માટે આ દિવસે પ્રસ્થાન કરવું જોઈએ. આ દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ વધુ શુભ હોય છે.
વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ દ્વારા લંકા પર ચઢાઈ કરવાનું પ્રસ્થાન કરતી વખતે શમી વૃક્ષે ભગવાનના વિજયની ઘોષણા કરી હતી. વિજયકાળમાં તેથી જ શમી પૂજા થાય છે.
એવું મનાય છે કે દશેરાની તિથિએ ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરી વિજય મેળવ્યો હતો. સંધ્યા કાળનો સમય વિજય કાળનો ગણાય છે. વિજ્યાદશમીના દિવસે નીલકંઠનાં દર્શન શુભ મનાય છે.
વિજયકાળમાં શમીના વૃક્ષનું પૂજન કરવું જોઈએ અને આ કાળમાં રાજચિન્હ, હાથી, ઘોડા, અસ્ત્ર-શસ્ત્ર વગેરેનું પૂજન કરવામાં આવે છે.
અક્ષર લેખન, નવો વેપાર, વાવણી, સગાઈ કે નવું વાહન કે ઘરની ખરીદી. વિજયા દશમી એટલે વણજોયું મૂહુર્ત આ દિવસે કોઈપણ કાર્ય કરવા માટે મૂહુર્ત કે ચોઘડીયા જોવા પડતા નથી.