મુંબઈ, તા.૦૫
સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત અત્યારે થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. દર્શક હોય કે ક્રિટિક્સ ફિલ્મમાં જેણે સૌથી વધુ કોઈના પાત્રને પસંદ કર્યુ હોય તો તે અલાઉદ્દિન ખિલજીનું પાત્ર ભજવનાર અભિનેતા રણવીર સિંહનું છે. સૌ કોઈએ રણવીરસિંહ દ્વારા ભજવવામાં આવેલ આ પાત્રના વખાણ કરવામાં આવી રહ્યા છે અને આજ કારણ છે કે અત્યારે રણવીરસિંહ પાસે ફિલ્મોની લાઈન લાગેલી છે.
પદ્માવત બાદ રણવીરસિંહ સાથે ત્રણ મોટી ફિલ્મો છે. સુત્રોના જણાવ્યા મુજબ, વાણી કપુર સાથેની બેફિક્રે બાદ રણવીર ફરી યશરાજ બેનર સાથે કામ કરવા જઈ રહ્યો છે. યશરાજ બેનર હેઠળ બનનાર આ ફિલ્મનું નામ ‘ફૌજિયા’ હશે. આ ફિલ્મમાં રણવીર સિંહ એક સરદારજીના પાત્રમાં નજરે પડશે. ટૂંકમાં જ આ ફિલ્મ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે.
સુત્રોનું માનીએ તો આ ફિલ્મ આગામી વર્ષે ફ્લોર પર આવશે. આ ઉપરાંત રણવીર સિંહ બોલીવુડના એક્શન-કોમેડી ડાયરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ શિમ્બામાં પણ નજરે પડશે. આ ફિલ્મમાં તે એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં નજરે પડશે, જેમાં અજય દેવગણ કેમિયો રોલમાં નજરે પડશે. ઉપરાંત રણવીરસિંહે કરણ જાહરની પણ ફિલ્મ સાઈન કરી હોવાનુ સુત્રોનું કહેવુ છે.