બે વર્ષ અને ૧૧ મહિનાની લાંબી પ્રતીક્ષા બાદ બુધવારના રોજ આમ લોકો માટે શરુ કરવામાં આવેલી લખનઉ મેટ્રો પહેલા જ દિવસે ફેલ થઇ ગઈ હતી. તકનીકી ખરાબીના કારણે મેટ્રો ટ્રેન દુર્ગાપુરી અને મવૈયા સ્ટેશન વચ્ચે બે કલાક ફસાઈ રહી હતી. આ સમયે ટ્રેનમાં ૧૦૧ મુસાફરો સવાર હતા. ટ્રેન ફસાયા બાદ મુસાફરોને ઇમરજન્સી ગેટથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મેટ્રોના અધિકારીયો દ્વારા જણાવવામાં આવ્યું કે, ટ્રેક્શન મોટર ખરાબ છે જેના કારણે ઇમરજન્સી કોલ એટેન્ડ ન થઈ શક્યો. ઘણીવાર સુધી તેને ઠીક કરવાના પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ જ્યારે સિસ્ટમ ઠીક ન થઈ તો લોકોને ઇમરજન્સી ગેટથી બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ તમામ પેસેન્જર્સ 400 મીટર પગપાળા ચાલીને દુર્ગાપુરી સ્ટેશન પરત આવ્યા હતા.
મહત્વનું છે કે, એક દિવસ પહેલા જ ૫ સપ્ટેમ્બરના રોજ સીએમ યોગી, રાજ્યપાલ રામ નાઇક, કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી હરદીપ પુરીએ લીલી ઝંડી દેખાડીને મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું.