પાકિસ્તાન દ્વારા ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં LoC પાસે પૂંછના બાલાકોટ અને રાજૌરીના મંજાકોટમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ભારતીય સૈન્ય સામે જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા થયેલા આ સીઝફાયર ઉલ્લંઘનમાં રાજૌરીના મંજાકોટ સેક્ટરમાં એક મહિલા ઘાયલ થઇ છે, જ્યારે પૂંછના બાલાકોટમાં 9 વર્ષની એક બાળકી સાજિદા કાફિલનું મોત થયું છે. જમ્મુ-કાશ્મીરના ત્રાલ સાથે સંબંધિત નાઇક મુદસ્સર અહેમદે રાજૌરી સેક્ટરમાં થઇ રહેલા ગોળીબારમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ નિર્મલ સિંહે જણાવ્યું કે, પૂંછ અને રાજૌરીમાં ભારે ગોળીબાર થઇ રહ્યો છે અને આપણે સમગ્ર તાકાત ભેગી કરીને તેમને જવાબ આપી રહ્યા છે. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે DGMO લેવલની વાતચીત થઇ હતી. ઇન્ડિયન આર્મીના DGMOએ કહ્યું કે તમામ સીઝફાયર ઉલ્લંઘનો પાકિસ્તાન દ્વારા જ કરવામાં આવ્યા છે અને ભારતીય સૈન્ય શાંતિ જાળવવામાં અને સુલેહમાં માને છે તેમછતાં આવા સીઝફાયર ઉલ્લંઘનો સામે યોગ્ય જવાબ આપવાનો અધિકાર ભારતીય સૈન્ય ધરાવે છે.