વાયુ પ્રદૂષણથી શ્વાસ સંબંધિત બિમારી થાય છે, એ તમામને ખબર છે પરંતુ યુનિસેફના હાલના રીપોર્ટમાં જણાવાયુ છે કે, વાયુ પ્રદૂષણ કોઈ નવજાત બાળકના મગજને હંમેશા માટે નુકશાન પહોંચાડી શકે છે. આ રીપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ભારત, ચીન સહિત દુનિયાના અન્ય દેશોમાં પ્રદૂષણની મોટી સમસ્યા ઉભી થઈ છે.
થોડા મહિના અગાઉ પ્રદૂષણના કારણે દિલ્હીની સ્કુલોને થોડા દિવસ બંધ રાખવાની પણ ફરજ પડી હતી. યુનિસેફના રીપોર્ટમાં એ પણ જણાવાયુ છે કે, સાઉથ એશિયામાં સૌથી વધુ પ્રદૂષણવાળા વિસ્તારમાં સૌથી વધુ બાળકો છે જેઓ પ્રદૂષિત હવામાં શ્વાસ લઈ રહ્યા છે. આ વિસ્તારમાં વિશ્વના અન્ય વિસ્તારો કરતા છ ગણુ પ્રદૂષણનુ પ્રમાણ વધુ છે.
યુનિસેફનું કહેવુ છે કે, સમગ્ર વિશ્વમાં ૧ વર્ષથી ઓછી ઉંમરના લગભગ ૧ કરોડ ૭૦ લાખ બાળકો સૌથી પ્રદૂષિત વિસ્તારમાં જીવી રહ્યા છે, જેમાંથી એકલા સાઉથ એશિયામાં ૧ કરોડ ૨૨ લાખ બાળકો છે. પૂર્વી એશિયા અને પ્રશાંત વિસ્તારમાં ૪૩ લાખ બાળકો પ્રદૂષિત હવા લઈ રહ્યા છે, જે આગામી સમયમાં તેમના માટે ખતરો બની શકે છે.
યુનિસેફના રીપોર્ટમાં જણાવાયુ છે કે, વાયુ પ્રદૂષણ કોઈપણ નવજાત બાળકના મગજને ગંભીર નુકશાન પહોંચાડી શકે છે. જે આગામી સમયમાં તેમના જીવ માટે ખતરો ઉભો કરી શકે છે. પ્રદૂષિત હવામાં બાળકો શ્વાસ લે છે તો મેગ્નીટાઈટ જેવા પાર્ટિકલ તેમની અંદર જાય છે, જે તેમના મગજને નુકશાન પહોંચાડે છે. જેના કારણે ન્યુરોડિજેનરેટીવ જેવી બીમારી થઈ શકે છે. સાથે જ યુનિસેફે પોતાના રીપોર્ટમાં પ્રદૂષણને રોકવા માટે શક્ય તમામ પગલા લેવા જણાવ્યુ છે.