નવી દિલ્હીઃ તામિલનાડુમાં રાજકીય સંકટ વચ્ચે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત રાજનીતિની દુનિયામાં આવી શકે છે તેવા રિપોર્ટ વહેતા થયા છે. સૂત્રોના કહેવા પ્રમાણે, રજનીકાંત પોતે જ પોતાની નવી રાજકીય પાર્ટી બનાવી શકે છે જેમાં ભારતીય જનતા પાર્ટી તેમને સાથ આપી શકે છે, ઉલ્લેખનીય છે કે બીજેપી તામિલનાડુમાં પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે.
એક રિપોર્ટ પ્રમાણે, 66 વર્ષના રજનીકાંતને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક એસ. ગુરુમૂર્તિ નવી પાર્ટી બનાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. જાણકારોના કહેવા પ્રમાણે, તામિલનાડુમાં હાલમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધીઓથી રજનીકાંત નાખુશ છે અને તેને કારણે તેમના રાજનીતિમાં પ્રવેશને લઇને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
સંઘના વિચારક ગુરુમૂર્તિ બીજેપી અને રજનીકાંતને એક મંચ પર લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. ગુરુમૂર્તિના કહેવા પ્રમાણે, તામિલનાડુમાં રજનીકાંતને તમામ ઉંમરના લોકો ચાહે છે અને જો રજનીકાંત રાજ્યના રાજકારણમાં પ્રવેશ કરે તો સૌથી મોટી તાકાત તરીકે ઉભરી શકે છે.