સુરતનાં સરથાણામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહી આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટનાં ચોથા માળે આગ લાગવાથી અત્યાર સુધીમાં લગભગ 12 લોકોનાં મોત થયા અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, ત્યારે મૃત્યુ અંક હજુ વધવાની આશંકા સેવાઇ રહી છે. મૃતકોમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ હોવાથી ભારે અરેરાટી વ્યાપી છે.
સુરતનાં સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડનાં ચોથા માળે ટોપ ફ્લોર પર આવેલાં ટ્યુશન ક્લાસમાં આગ લાગતાં વિદ્યાર્થીઓનાં મોત થયા છે. તક્ષશિલા આર્કેડમાં ઉપરનાં માળે ક્રિએટર ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનર ક્લાસીસ ચાલતાં હતાં. જ્યા અચાનક આગ લાગવાથી ભાગદૌડ શરૂ થઇ ગઇ હતી. આગનાં કારણે કેટલાંક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સુત્રોનાં જણાવ્યા મુજબ મૃતકોનો આંક હજુ પણ વધી શકે તેવી પૂરી સંભાવનાઓ દેખાઇ રહી છે. આપને જણાવી દઇએ કે, મૃતકોમાં કેટલીક છોકરીઓ પણ છે. આગનાં પગલે 108ની એમ્બ્યુલન્સ મારફતે પાંચ ઈજાગ્રસ્ત છોકરીઓને કાપોદ્રા સ્થિત પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આગ લાગતા જ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સુરતમાં થયેલી આગની દુર્ઘટનાથી હું ભારે દુખી છું. મારી સંવેદનાઓ પીડીત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય.પીડીતોને તમામ પ્રકારની સહાય આપવા ગુજરાત સરકાર અને ઓથોરીટીને સુચના આપી છે.
શુક્રવારે સાંજે આ આગ લાગતાં ટ્યુશન ક્લાસમાં ભણી રહેલાં લગભગ 50 જેટલાં વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. આગથી બચવા માટે 14 જેટલાં વિદ્યાર્થીઓ આર્કેડનાં ટોપ ફ્લોર પરથી છલાંગો લગાવી હતી. આ અકસ્માતમાં અનેક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે જેમને નજીકની સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આગ બેકાબુ રીતે ભીષણ બનતાં મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેથી આસપાસનાં અન્ય ફાયર સ્ટેશનનાં ટેન્કર સહિતની ગાડીઓને બોલાવી લેવામાં આવી છે. ફાયરનાં જવાનો દ્વારા આગ ઓલવવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી અને ફસાયેલાં લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આગ લાગ્યા બાદ ઘણા બાળકોને રસ્તો ન મળતાં અથવા તો મૂંજવણ ભરી સ્થિતીમાં મુકાઈ જતાં બાળકોએ ઉપરથી નીચે કુદકા લગાવી દીધા હતાં. જેથી ઉપરથી કુદનારાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે સ્મિમેર અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના કારણે ફસાયેલા બાળકોના માતા-પિતા ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ઘટના સ્થળે પહોંચેલા માતા પિતાએ આગમાં ફસાયેલા પોતાના સંતાનને બચાવવા મરણિયા પ્રયાસો કર્યા હતા.