રાજ્યમાં મેઘરાજાની મહેરના લીધે ગુજરાતમાં ચોમાસું એકદરે ખુબ સારૂં રહ્યું છે, અને હજુપણ ભારે વરસાદ પડવાની આગાહી છે, વરસાદ વધારે પડતા અનેક ડેમોમાં પાણીની આવક વધી છે,જેના લીધે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે,ધરોઇ ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે અને હવે વાસણા બેરેજના દરવાજા પણ ખોલવામાં આવી રહ્યા છે, ભારે વરસાદના લીધે પાણીની આવકમાં વધારો થતાં ડેમ ઓવરફલો થતાં સત્વરે ડેમના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ધરોઇ ડેમમાં પાણી છોડતા સાબરમતી બેંને કાઠે વહી રહી છે,આ ઉપરાંત પાણીની આવક વાસણા બેરેજમાં પણ વધતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમા 9 દરવાજામાં 3 ફુટ અને જ્યારે 10 ગેટમાં મુક્ત પ્રવાહ માટે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. સંતસરોવરના પ્રતિનિધિ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આઉટફ્લો કલાકમાં 65000 ક્યુસેક સુધી વધી શકે છે.
નોંધનીય છે કે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ ગત રોજ સાંજના ચાર કલાકે વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી 129.50 ફૂટ નોંધાઈ હતી.બેરેજમાં 14771 કયૂસેક પાણીની આવક નોંધાઈ હતી,3999 કયૂસેક પાણીનો નદી દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો.ગેટ નંબર-27 અને 25 અનુક્રમે બે ફૂટ અને ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા.