પેટા-ચુંટણીઓમાં ખરાબ પરિણામ આવ્યાના એક અઠવાડિયા બાદ બીજેપીએ નારાજ થઇ ગયેલા સહયોગી દળોને મનાવવાની કોશિશો ચાલુ કરી છે. આ માટે જ બીજેપી અધ્યક્ષ અમિત શાહ મુંબઈ જઈને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે. શિવસેના સાથે જોડાયેલા સુત્રોએ જણાવ્યું કે શાહ અને ઠાકરે વચ્ચે ગુરુવારે સાંજે છ વાગે માતોશ્રીમાં મુલાકાત થશે.
હકીકતમાં પાલઘર લોકસભા સીટ પર થયેલી પેટા-ચુંટણીમાં બંને પક્ષ વચ્ચે જોરદાર આરોપ-પ્રત્યારોપ જોવા મળ્યો હતો. પાલઘર સીટ પર બીજેપીને જીત જરૂર મળી, પરંતુ જીતના અંતરે રાજ્ય અને કેન્દ્રની સતાધારી પાર્ટીને ચોંકાવી દીધી છે. કેન્દ્ર અને રાજ્ય સ્તર પર ઘણાં બીજેપી વિરોધી દળો એકજુટ થઇ રહ્યા છે. આનું પરિણામ એ રહ્યું કે ભંડારા-ગોન્દિયા સીટ પર એનસીપી-કોંગ્રેસે સાથે મળીને ચુંટણી લડતા બીજેપીને હારનો સામનો કરવો પડ્યો હતો.
પાલઘર પેટા-ચુંટણી દરમિયાન શિવસેનાએ ઈવીએમ અને વિવીપેટ મશીનોમાં ગડબડને લઈને બીજેપી અને ચુંટણી કમીશન પર નિશાન સાધ્યું હતું. શિવસેનાએ આરોપ લગાવ્યો હતો કે સત્તાધરી પાર્ટી(BJP)એ પોતાના ફાયદા માટે ઈવીએમમાં છેડછાડ કરી છે.
એનડીએના નાના દળોની કથિત અવગણનાને લઈને શિવસેના સતત બીજેપી પર હુમલા કરતી રહી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે પોતાની પાર્ટીને બીજેપીની સૌથી મોટી રાજનીતિક દુશ્મન ગણાવી છે. તેમણે કહ્યું કે દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ, બંનેને નથી ચાહતો, પરંતુ કોંગ્રેસ કે જેડી(એસ) નેતા એચડી દેવેગૌડાનો સ્વીકાર કરી શકે છે.
અમિત શાહની ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે, જયારે જેડીયુએ પણ લોકસભા ચુંટણી માટે સીટોની ભાગીદારી બાબતે બીજેપી પર દબાણ કરવાનું શરુ કર્યું છે.
જેડીયુ બિહારની 40 લોકસભા સીટોમાંથી 25 સીટો પોતાના માટે માંગી રહી છે. એમનું કહેવાનું છે કે તેઓ રાજ્યમાં મોટા ઘટક દળ છે એટલે લોકસભા ચુંટણી મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં જ લડવામા આવે.
જોકે બીજેપી તરફથી પણ તરત જ જવાબ આવ્યો કે નીતીશ કુમાર બિહારમાં એનડીએનો ચહેરો છે, પરંતુ લોકસભા ચુંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ લડવામા આવશે.
બિહારમાં જેડીયુ અને બીજેપીની ચાલી રહેલી આ ખેંચતાણ વચ્ચે ગુરુવારે અહી એનડીએની બેઠક થવાની છે. આરજેડીનો સાથ છોડ્યા બાદ બીજેપી સાથે મળીને સરકાર બનાવ્યા બાળદ એનડીએની આ પહેલી બેઠક છે.