રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા પ્રખ્યાત ખાટુશ્યામજીના માસિક મેળામાં સોમવારે સવારે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં 3 મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. હાલ તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સવારે 5 વાગે મંદિરના પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ ભીડના વધતા દબાણને કારણે નાસભાગ મચી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે લોકડાઉન બાદ હવે ખાટુશ્યામમાં દર મહિને યોજાતા માસિક મેળામાં પણ ભક્તોની સંખ્યા લાખોમાં રહી છે. પરંતુ મંદિરનો વિસ્તાર ઓછો હોવાને કારણે અને દર્શનની પૂરતી સુવિધાના અભાવે અહીં દરરોજ છૂટાછવાયા અકસ્માતો થતા રહે છે.