રવિવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં કેનીગ વિસ્તારમાં આવેલું બાગરી માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. કરોડો રૂપિયાનું નુકશાન થઇ શકે તેવી સંભાવના છે. આગ લાગ્યા તેને ૩૦ કલાક થઇ ગયા હોવા છતાં હજુ આગ કાબુમાં આવી નથી. ફાયટ ફાઈટર આગ બુઝાવવા માટે હાલ પણ પ્રયત્ન કરી રહ્યા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે રાતના આશરે ૨ : ૪૫ વાગ્યે બાગરી માર્કેટમાં પાંચ માળની બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ બિલ્ડીંગમ આશરે ૪૦૦ દુકાનો છે જેમાંથી ૧૭૦ દુકાનો દવાની છે.
હાલ આગ પર કાબુ મેળવવા માટે ૩૦ અગ્નિશામક ગાડી ઘટનાસ્થળે કાર્યરત છે. આ આગથી કોઈ વ્યક્તિને ઈજા થઇ હોવાના સમાચાર મળ્યા નથી.
મલ્ટી જાણકારી મુજબ જે જગ્યાએ આગ લાગી છે તે બિલ્ડીંગ ધરવતો એરિયા છે. જે બિલ્ડીંગમાં આગ લાગી છે તેની આજુબાજુ ઘણી બિલ્ડીંગ છે. આ કારણે આગ બુઝાવવા વધારે મહેનત કરવી પડી રહી છે. બાગરી માર્કેટમાં મુખ્યત્વે દવા, પ્લાસ્ટિકની સામગ્રી, કોસ્મેટીક વસ્તુઓ, પરફ્યુમ સહિત બીજી સામગ્રીનો ધીકતો કારોબાર થાય છે.
અગ્નિશામક મંત્રી અને મેયર શોભન ચેટરજીએ કહ્યું હતું કે આજુબાજુ મોટી બિલ્ડીંગ હોવાને લીધે આ ઓપરેશન કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી અને બને તેમ અમે ઝડપથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આજ્ઞા લીધે બિલ્ડીંગમાં તિરાડ પડી ગઈ છે આથી દીવાલ પડવાનો ખતરો વધી ગયો છે.
સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે રાત્રે ૨: ૪૫ વાગ્યે અચાનક પહેલા માળ પર રહેલી દુકાનમાંથી ધુમાડો આવતા અમે અગ્નિશામક વિભાગને જાણ કરી હતી. પરંતુ તે લોકો આવ્યા તે પહેલા આગ ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી.
બિલ્ડીંગમાં એક ગેસ સીલીન્ડર પણ હતો જેને લીધે ધમાકો પણ થયો હતો. દવાની દુકાનોમાં આગ લાગવાથી કેમિકલની ગંધ આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી જેના લીધે રહેવાસીઓને ઘણી મુશ્કેલી થઇ રહી છે.
આ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે અગ્નિશામકની ૩૦ ગાડીઓ ઘટનાસ્થળે આગ બુઝાવવા માટે પ્રયત્ન કરી રહી છે આશા છે કે આગ બુજાઈ જાય. સદભાગ્યે કોઈને જાનહાનિ થઇ નથી.
વર્ષોથી રજાના દિવસે આગ લાગવાનું રહસ્ય અકબંધ
તમને જણાવી દઈએ કે કોલકત્તામાં અત્યાર સુધી જેટલા પણ અગ્નિકાંડ થયા છે તે બધા શનિવારે કે કોઈ રજાના દિવસે જ થાય છે. વર્ષોથીરજાના દિવસે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.
બાગરી માર્કેટ પહેલા પણ ત્યાંથી ૧૦૦ મીટર દૂર નંદરામ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આ આગને બુઝાવવા માટે ૧૦૦ કલાકથી પણ વધારે સમય લાગ્યો હતો.