અમદાવાદઃ અમદાવાદમાં એસપી રિંગ રોડ પર આવેલા મુમતપુરા અંડરપાસથી સંસ્કારધામ સુધીના રોડને વીઆઇપી રોડ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રોડ ચાર લેનનો નહીં પણ છ લેનનો હશે. આ રોડને વિકસાવવા પાછળ 52 કરોડનો ખર્ચ કરવામાં આવશે. હાલમાં આ રોડ ચાર લેનનો છે. રોડની આજુબાજુ પ્લાન્ટેશન કરવામાં આવશે. તેની સાથે સાઇડમાં વોકવે પણ બનાવવામાં આવશે. એએમસીના અધિકારીના જણાવ્યા મુજબ આ એક પ્રકારનો ડિઝાઇનિંગ રોડ હશે અને આગામી સમયમાં શહેરના દરેક વોર્ડમા આ પ્રકારના રોડ વિકસાવવામાં આવનાર છે.
અધિકારીએ જણાવ્યું હતું કે છ લેનના વીઆઇપી રોડની પહોળાઈ 45 મીટરની રહેશે. ફોર લેન રોડની મહત્તમ પહોળાઈ 36 મીટર સુધીની હોય છે. તેના લીધે ભવિષ્યમાં પણ ટ્રાફિક જામની કોઈ સંભાવના નહીં રહે. રોડના લેનની પહોળાઈ 10.50 મીટરની હશે. આમ તેની પહોળાઈ સામાન્ય કરતાં 3 મીટર વધુ હશે. હાલના 60 મીટર પહોળા એસપી રિંગ રોડને 90 મીટર સુધી પહોળો કરવામાં આવશે.
વીઆઇપી રોડના લીધે ઘુમા, શેલા, મણિપુર વિસ્તારમાંથી પસાર થતાં વાહનચાલકોને ફાયદો થશે. તેની સાથે સાણંદ જનારાને પણ ફાયદો થશે. ઔડાના અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદની વસ્તીના વધારાને ધ્યાનમાં રાખીને રિંગ રોડનું અત્યારથી આયોજન કરાઈ રહ્યુ છે. તેના લીધે ભવિષ્યમાં ટ્રાફિક જામ જેવી કી સ્થિતિ ન સર્જાય તે જોવાઈ રહ્યુ છે. આ પ્રોજેક્ટ પૂરો થવાથી બોપલ, ઘુમા, શેલા, મણિપુર વિસ્તાના લોકોને સરળતા રહેશે. તેની સાથે સાણંદ જવા માટે એક સુયોજિત વૈકલ્પિક મુખ્ય માર્ગ તૈયાર થઈ શકશે. રોડના નવીનીકરણનું બાંધકામ બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં મુખ્ય રોડને મજબૂત બનાવાશે અને પેવમેન્ટનું કામ કરવામાં આવશે. બીજા તબક્કામાં બંને બાજુના વોકવે પર ડિઝાઇનિંગ, પ્લાન્ટેશન અને વોકવે સહિતના કામો હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ, બલ્ગેરિયન યુવતીનો બાકી પગાર લેવાનો દાવો
આ પણ વાંચોઃ રાજકોટમાં તબીબની બેદરકારીથી માસૂમ બાળકનાં મોત થયાનો આક્ષેપ
આ પણ વાંચો:અમદાવાદમાં શાળાઓ 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરશે