Himmatnagar News : હિંમતનગરના હુસેની ચોકમાં આવેલ એક ફ્રાય સેન્ટરના રસોડામાં ગુરૂવારે સાંજના સુમારે અચાનક ગેસ સિલેન્ડર લીકેજ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી. જેને લઇ ફ્રાય સેન્ટરના પાછળના ભાગે આવેલ રસોડામાં ધડાકો થતા અંદર રખાયેલ સામાન વેરવિખેર થઇ ગયો હતો. તો બીજી તરફ આગ લાગવાને કારણે દાઝેલા ૬ જણા બુમો પાડતા બહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ તરત જ હિંમતનગર ફાયર બ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવાઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલમાં લઇ જવાયા હતા.
આ અંગે સિવિલના ઇન્ચાર્જ આરએમઓ ર્ડા. વિપુલ જાનીના જણાવ્યા મુજબ હિંમતનગરના હુસેની ચોકમાં આવેલ બેગમ ફ્રાય સેન્ટરમાં ગુરૂવારે સાંજના પાંચેક વાગ્યાના સુમારે રસોડા વિભાગમાં રખાયેલ રાધંણ ગેસના એક સિલેન્ડરની પાઇપ લીકેજ થઇ હતી. જેથી રૂમમાં ગેસ પ્રસરી ગયો હતો. દરમિયાન અજાણતાથી રસોડામાં રહેલ એક શખ્સે ગેસની સગડી સળગાવતાની સાથે આખુ રસોડુ આગમાં લપેટાઇ ગયુ હતુ. દરમિયાન રસોડામાં કામ કરતા ૬ જણા અંદાજે ૧૦ ટકાથી ૬૫ ટકા સુધી દાઝી જતા તમામને ગંભીર હાલતમાં સારવાર માટે હિંમતનગર સિવિલના તત્કાલ સારવાર કેન્દ્રમાં લવાયા હતા. જયાં ફરજ પરના તબીબોએ તરત જ સારવાર આપવાનું શરૂ કરી દીધુ હતુ.
બીજી તરફ લગભગ ૫.૨૦ કલાકે હિંમતનગર નગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડને જાણ કરાયા બાદ સ્ટાફ હુસેની ચોકમાં આવેલ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ નિરીક્ષણ કરીને તરત જ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. ઉલ્લેખનીય છે કે બેગમ ફ્રાય નામની દુકાન શહેરના ભરચક વિસ્તારમાં બનેલી ઘટનાને કારણે અફડાતફડી મચી જવા પામી હતી. જેથી હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં તપાસ કરીને નિયમોનું પાલન થાય છે કે નહી તે જોવું જોઇએ.
ઇજાગ્રસ્તોના નામ
ઇસરાઇલ શેખ (ઉ.વ.૧૯) ૬૫ ટકા
સાબાજ શેખ (ઉ.વ.૨૨) ૬૫ ટકા
અંસાન રમઝાન શેખ (ઉ.વ.૨૨) ૧૨ ટકા
હુસેન મહમદ શેખ (ઉ.વ.૨૦) ૩૨ ટકા
સાકીર શેખ (ઉ.વ.૨૪) ૩૧ ટકા
સાહનવાઝ શેખ (ઉ.વ.૨૦) ૮ ટકા…
ફાયર બ્રિગેડે રસોડામાંથી પાંચથી વધુ ગેસ સિલેન્ડર બહાર કાઢી લીધા
હુસેની ચોકના ભરચક વિસ્તારમાં આવેલ ફ્રાય સેન્ટરમાં ગેસ સિલેન્ડર લીકેજ થવાને કારણે આગ લાગી હતી. ત્યારે ફાયર બ્રિગેડે સ્થળ પર આવીને રસોડા વિભાગમાં રખાયેલ પાંચથી વધુ ગેસ સિલેન્ડરને બહાર કાઢી દીધા હતા. જેના લીધે મોટી દુઘર્ટના થતા અટકી ગઇ છે…
બે ઇજાગ્રસ્તોની હાલત ગંભીર
ગેસ સિલેન્ડરને કારણે લાગેલી આગમાં જે બે જણા ૬૫ ટકા દાઝી ગયા છે. ત્યારે તેઓની હાલત ગંભીર હોવા છતા સિવિલના તબીબો દ્વારા તેમને યોગ્ય સારવાર આપી બચાવી લેવાના પ્રયાસ કરાઇ રહ્યા હોવાનું સિવિલના સુત્રોમાંથી જણાવાયુ છે.
@દિપકસિંહ રાઠોડ
આ પણ વાંચો: રાજપીપળાના લગ્નપ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના
આ પણ વાંચો: બેંગલુરુમાં કેક ખાધા બાદ 5 વર્ષના બાળકનું મોત, માતા-પિતાને ICUમાં દાખલ, ફૂડ પોઈઝનિંગના કારણે મોત
આ પણ વાંચો: દ્વારકામાં ફૂડ પોઈઝનિંગથી એકનું મોત, 6 લોકો સારવાર હેઠળ