@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 11 જાન્યુઆરીથી ધો. 10 અને 12ના વર્ગો સાથે શાળાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં બીજા દિવસે પ્રથમ દિવસ કરતા 5 ટકા વધુ વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા. બીજી તરફ જિલ્લાના 13622 વાલીઓએ સંમતીપત્ર ભરવા છતાં 58 ટકા વાલીઓ જ પોતાના બાળકોને શાળાએ મોકલે છે. ઉત્તરાયણના તહેવાર બાદ શાળામાં સંખ્યા વધવાનું માનવામાં આવી રહ્યુ છે. કોરોનાના કાળના 9 મહિના બાદ સમગ્ર રાજય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શૈક્ષણિક કાર્ય શરૂ થયુ છે. ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને એસઓપી સાથે તા. 11 જાન્યુઆરીથી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.
પ્રથમ દિવસે બોર્ડના નોંધાયેલા 33,687માંથી 5951 વિદ્યાર્થીઓ જ સ્કૂલે આવતા 18 ટકા સંખ્યા નોંધાઇ હતી. જયારે બીજા દિવસે તા. 12ને મંગળવારે આ સંખ્યામાં નજીવો વધારો થયો છે. બીજા દિવસે જિલ્લાની હાઇસ્કૂલોમાં 7982 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શાળામાં આવ્યા હતા. મંગળવારે પણ સેનીટાઇઝર, માસ્ક, સોશીયલ ડીસ્ટન્સ સાથે પાલન સાથે અભ્યાસ કરાવાયો હતો.
બીજા દિવસે વાલીઓના સંમતીપત્ર ભરવાની સંખ્યામાં પણ વધારો થયો હતો. પ્રથમ દિવસના 10,527ની સામે બીજા દિવસે 13,622 વાલીઓના સંમતીપત્ર થયા છે. જયારે સંમતીપત્ર ભરનાર વાલીઓમાંથી 58 ટકા વાલીઓએ જ પોતાના બાળકોને શાળાએ મોકલ્યા હતા. શાળાઓમાં હજુ સંખ્યા ઓછી હોવા બાબતે ઉત્તરાયણનો તહેવાર મુખ્ય કારણ હોવાનું મનાય છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…