આ દેશમાં કુતરા પાળવા પર કડક પ્રતિબંધ છે. કુતરો લાવશો તો ભારે દંડ ચુકવવો પડી શકે છે

વિશ્વભરમાં કૂતરાઓ સૌથી વધુ પાલતુ પ્રાણીઓમાં આવે છે, પરંતુ એક એવો દેશ છે જ્યાં કૂતરા રાખવા કે દેશમાં લાવવાની સંપૂર્ણ મનાઈ છે.

આ દેશ છે માલદીવ, જ્યાં કોઈપણ ટાપુ પર કૂતરાઓને પાલતુ તરીકે રાખવા, આયાત કરવા અથવા લાવવા કાયદેસર નથી.

આ નિયમો દેશના નાગરિકો, વિદેશી રહેવાસીઓ તેમજ પ્રવાસીઓ  સૌને સમાન રીતે લાગુ પડે છે.

તાજેતરમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ નવા પશુ કલ્યાણ કાયદાને મંજૂરી આપી છે, જેના કારણે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે.

નવા કાયદા મુજબ, કૂતરાઓને ગેરકાયદેસર રીતે આયાત કરવા અથવા લાવવા બદલ અંદાજે $325 થી લઈને $32,425 સુધીનો દંડ લાગી શકે છે.

જો કોઈ વ્યક્તિ વારંવાર આ નિયમોનું ઉલ્લંઘન કરે, તો તેને દંડ ઉપરાંત કાનૂની કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે.

માલદીવમાં ફક્ત પોલીસ અને કસ્ટમ વિભાગના કૂતરાઓને જ કાયદેસર મંજૂરી આપવામાં આવે છે.

આ સ્નિફર ડોગ્સનો ઉપયોગ મુખ્યત્વે ડ્રગ્સ શોધવા, સુરક્ષા અને કાયદા અમલીકરણ માટે થાય છે.

પ્રવાસીઓને કોઈપણ પરિસ્થિતિમાં કૂતરા લાવવાની છૂટ નથી. જો કોઈ કૂતરો ભૂલવશ લાવવામાં આવે, તો કસ્ટમ અધિકારીઓ તેને તરત જ જપ્ત કરી લે છે.

આ પ્રતિબંધ ધાર્મિક માન્યતાઓ અને સ્વચ્છતાના નિયમો પર આધારિત છે, પરંતુ અહીં બિલાડીઓ રાખવાની સંપૂર્ણપણે મંજૂરી છે.