'સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે...' સિગારેટના પેકેટ પર કાયદાકીય ચેતવણી લખેલી છે, પરંતુ તેમ છતાં યુવાનોમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો નવો રિપોર્ટ દર્શાવે છે કે છેલ્લા એક દાયકામાં ભારતમાં સિગારેટ અને બીડી પીનારા સગીર છોકરાઓ અને છોકરીઓની સંખ્યામાં વધારો થયો છે.

'ભારતમાં તમાકુ નિયંત્રણ 2022' શીર્ષક હેઠળના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં તમાકુનું સેવન કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ સિગારેટ અથવા બીડીનું સેવન વધ્યું છે.

ચિંતાજનક બાબત એ છે કે હવે યુવતીઓમાં સિગારેટ અને બીડી પીવાનું વ્યસન ઝડપથી વધી રહ્યું છે. 

રિપોર્ટ અનુસાર, 2017માં 1.5% પુખ્ત મહિલાઓ ધૂમ્રપાન કરતી હતી. જ્યારે 2019માં 6.2% છોકરીઓ ધૂમ્રપાન કરતી જોવા મળી હતી. આ દર્શાવે છે કે આવનારી પેઢી વધુને વધુ ધુમ્રપાનની આદી બની રહી છે. 

આના ઘણા કારણો છે......

આજકાલ છોકરીઓ પણ છોકરાઓ સાથે હરીફાઈ કરવા અને તેમના જેમ કુલ લુક માટે સિગારેટ પીવા લાગી છે.  

આ સિવાય છોકરાઓની જેમ છોકરીઓ પણ પોતાનો ગુસ્સો ઠંડો કરવા માટે સિગારેટ પીતી હોય છે. જ્યારે, આવું કંઈ થતું નથી. 

નિષ્ણાતોનું માનવું છે કે આજકાલ ફિલ્મોમાં મહિલા કલાકારોને સિગારેટ પીતી બતાવવામાં આવે છે, જેના કારણે છોકરીઓમાં ધૂમ્રપાનની લત વધી રહી છે.  

આ સિવાય 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને તમાકુની બનાવટો વેચવી એ કાયદેસરનો ગુનો છે, પરંતુ તેમ છતાં દુકાનદારો આવા લોકોને આડેધડ સિગારેટ અને બીડી વેચે છે. 

આ બધું કેવી રીતે ઘટાડી શકાય? 

યુવાનોને તમાકુ અને ધૂમ્રપાનના વ્યસનથી મુક્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ જાગૃતિ છે. 

આરોગ્ય મંત્રાલયના 2019માં હાથ ધરાયેલા 'ગ્લોબલ યુથ ટોબેકો સર્વે' મુજબ, 2009માં ભારતની 8.1% વસ્તી ધૂમ્રપાન કરતી હતી, જે 2019માં ઘટીને 7.1% થઈ ગઈ હતી. 

આ સિવાય તમાકુ ઉત્પાદનો પર ટેક્સ વધારીને તેનો વપરાશ પણ ઘટાડી શકાય છે.