દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે સત્તાવાર પરિણામ આવશે, પરંતુ એ પહેલાં જ એક્ઝિટ પોલનાં અનુમાનોએ દેશ અને દુનિયામાં હલચલ મચાવી દીધી છે.

બ્રિટનના મોટા અખબાર ધ ગાર્ડિયએ 3 જૂન, સોમવારના રોજ પ્રકાશિત એક અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતમાં ચાલી રહેલી ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે અને એક્ઝિટ પોલ આગાહી કરી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક ત્રીજી વખત જીતશે.

ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે એક્ઝિટ પોલનાં પરિણામો દર્શાવે છે કે વડાપ્રધાન મોદી સતત ત્રીજી વખત જીતવા જઈ રહ્યા છે.

પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોને લખ્યું છે કે જો આપણે બે એક્ઝિટ પોલનો સારાંશ આપીએ તો ભારતની સત્તારૂઢ NDAલોકસભાની 543 સીટમાંથી 350 સીટ જીતી રહી હોય એવું લાગે છે.

બાંગ્લાદેશના અગ્રણી અંગ્રેજી અખબાર 'ધ ડેઇલી સ્ટાર'એ એક્ઝિટ પોલના આધારે તેના સમાચારનું શીર્ષક આપ્યું છે- 'ભારતના વિપક્ષે એક્ઝિટ પોલના અંદાજોને ફગાવી દીધા.'

રશિયાના સરકારી પ્રસારણકર્તા RTએ લખ્યું છે કે વિવિધ એક્ઝિટ પોલનાં પરિણામો દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટી ભારતની રાષ્ટ્રીય ચૂંટણીઓમાં પ્રચંડ બહુમતી સાથે સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે.

તુર્કીના સરકારી પ્રસારણકર્તા ટીઆરટી વર્લ્ડે એક રિપોર્ટમાં લખ્યું છે કે અલગ-અલગ મીડિયા હાઉસ દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર, ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી મેળવી શકે છે.

કતારના ન્યૂઝ નેટવર્ક અલજઝીરાએ રવિવારે પ્રકાશિત એક રિપોર્ટમાં લખ્યું છે કે એક્ઝિટ પોલ અનુસાર, 73 વર્ષીય પીએમ મોદી ફરી એકવાર વડાપ્રધાન બનતા જોવા મળી રહ્યા છે.

સાઉદી અરેબિયાના અખબાર અરબ ન્યૂઝે લખ્યું છે કે એક્ઝિટ પોલ અનુસાર, ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણી 2024માં સ્પષ્ટ બહુમતી મળી રહી છે, જેના કારણે વડાપ્રધાન મોદી સતત ત્રીજી વખત દેશના પીએમ બનશે.