- પોલીસને 903 કરોડ રૂપિયાના કૌભાંડના જ પુરાવા મળ્યા
- લાખો રોકાણકારો સાથે છેતરપિંડી થઈ હોવાનો પોલીસનો દાવો
- કૌભાંડની ઊંડી તપાસ થાય તો આંકડો હજી પણ મોટો નીકળી શકે
- હૈદરાબાદના રોકાણકારે પોલીસ કેસ કરતા કૌભાંડનો ફણગો ફૂટ્યો
- ચાઇનીઝ-તાઇવાનીઝ નાગરિક સહિત દસની ધરપકડ કરાઈ
હૈદરાબાદ પોલીસે હજારો કરોડ રૂપિયાનું ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડ પકડી પાડ્યુ છે. પોલીસનો દાવો છે કે એકલા દિલ્હીમાં જ આ કૌભાંડનો આંકડો દસ હજાર કરોડનો છે, પણ તેની પાસે હાલમાં ફક્ત 903 કરોડ રૂપિયાના જ કૌભાંડના પુરાવા છે.
હૈદરાબાદના પોલીસ કમિશ્નર સીવી આનંદે જણાવ્ હતું કે આ કૌભાંડની જાળ ચીન, તાઇવાન, કમ્બોડિયા અને યુએઇ સુધી ફેલાયેલી છે. પોલીસે આ કૌભાંડના સંદર્ભમાં એક ચાઇનીઝ અને તાઇવાનીઝ નાગરિક સહિત દસની ધરપકડ કરી છે.
આ કૌભાંડમાં પકડાયેલા બે મુખ્ય આરોપી ચાઇનીઝ લિ ઝોંગજુન અને તાઇવાનીઝ નાગરિક ચુન ચુન યુ છે. હૈદરાબાદના રહેવાસીએ જુલાઈમાં ફાઇલ કરેલા કેસના પગલે આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે તેની પાસે લોક્સેમ નામની ઇન્વેસ્ટમેન્ટ એપ દ્વારા 1.6 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જણાયું હતું કે આ નાણા ઇન્ડ્સઇન્ડ બેન્કના ઝિન્ડાઇ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના ખાતામાં ગયા હતા.
હવે જે વ્યક્તિએ ઝિન્ડાઈ ખાતુ ખોલાવ્યુ હતું તે વિરેન્દ્રસિંહની પુણે પોલીસે ધરપકડ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે તેણે આ ખાતુ ચાઇનીઝના કહેવાના પગલે ખોલાવ્યું હતું. તેણે જેક તરીકે તેની ઓળખ આપી તેને કમિશન પેટે 1.2 લાખ રૂપિયા આપ્યા હતા. તેની સાથે તેણે તાઇવાનીઝ નાગરિક ચુન-ચુન યુની વિગતો પણ શેર કરી હતી.
ઝિન્ડાઇ ટેકનોલોજીસમાંથી આ નાણા 38 બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. છેવટે આ નાણા સત્તાવાર મની ચેન્જિંગ ફર્મ્સ રંજન મની કોર્પ્સ અને કેડીએસ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડમાં ઠાલવવામાં આવ્યા હતા. તેની માલિકી નવીન કૌશિક નામની વ્યક્તિની છે. તે નાણા ફોરેક્સ એક્સ્ચેન્જીસને મોકલે છે અને આ રીતે નાણા ત્યાં રૂપિયાથી ડોલરમાં પરિવર્તીત થાય છે. તેના પછી આ નાણા સાહિલ અને સની નામની વ્યક્તિ પાસે જાય છે. તેઓ આ નાણા હવાલા દ્વારા વિદેશમાં મોકલે છે.
છેલ્લા સાત મહિનામાં રંજન મની કોર્પ્સે 441 કરોડના ટ્રાન્ઝેકશન કર્યા છે. જ્યારે કેડીએસ ફોરેક્સે ફક્ત 38 દિવસમાં 462 કરોડના ટ્રાન્ઝેકશન કર્યા છે. આ સત્તાવાર મની ચેન્જ ફર્મ્સને કમિશન પેટે 0.2 ટકા રકમ મળે છે.
આનંદે બેન્કો અને રેગ્યુલેટરી એજન્સીઓ પર અવગણનાનો આરોપ મૂકતા જણાવ્યું હતું કે મની ચેન્જ અને ફોરેક્સ ફ્રર્મ્સ રિઝર્વ બેન્ક દ્વારા અધિકૃત સંસ્થાઓ છે. પરંતુ તેઓએ રિઝર્વ બેન્કની માર્ગદર્શિકાનો ભંગ કર્યો છે. તેમા ફોરેક્સ ફક્ત વિદેશ પ્રવાસ માટે આપવાનો, સાત જુદા-જુદા રજિસ્ટર જાળવવાનો, સાપ્તાહિક, માસિક અને ત્રિમાસિક અહેવાલો આપવાનો સમાવેશ થાય છે. હાલમાં ઓડિટ અને દૈનિક સ્ટેટમેન્ટ મોકલવામાં આવતા નથી.
હૈદરાબાદ પોલીસે જણાવ્યું હતુ કે તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને અન્ય કેન્દ્રીય સંસ્થાઓને પણ આ તપાસ કરવાની કહેશે. ઓનલાઇન એપ દ્વારા ઇન્વેસ્ટમેન્ટને લઈને લોકોને છેતરવાના કૌભાંડ વધી રહ્યા છે. આ નાણા વર્ચ્યુઅલ એકાઉન્ટમાં મૂકવામાં આવે છે અને આ રકમ પછી સત્તાવાર રીતે ટ્રાન્સફર થાય છે અને ફોરેક્સ ફર્મ્સ દ્વારા દેશની બહાર ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવે છે. તેઓ રેગ્યુલેટરી માળખાની ખામીનો ફાયદો ઉઠાવીને આ પ્રકારના કૌભાંડને વેગ આપે છે