Delhi/ દિલ્હીના એક પરિવારે ઠંડીથી બચવા કર્યો ઉપાય પરંતુ મળ્યું મોત

દેશના અનેક રાજ્યોમાં હજુ કડકડતી ઠંડી જોવા મળી રહી છે. દિલ્હીના ખેડા વિસ્તારમાં પરિવારે કડકડતી ઠંડીથી બચવા સગડીનો ઉપયોગ કરતા મોત મળ્યું.

Top Stories India

દેશના અનેક રાજ્યોમાં હજુ કડકડતી ઠંડી જોવા મળી રહી છે. ઉત્તરભારત જેવા પહાડી રાજ્યો ઉપરાંત ઉત્તરપ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોમાં તીવ્ર ઠંડી પડી રહી છે. આ વિસ્તારોમાં વધુ પડતી ઠંડીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળે છે. જ્યારે ઘરમાં પણ વધુ ઠંડીનો અનુભવ થાય ત્યારે તેનાથી બચવા હીટર કે સગડીનો ઉપાય અજમાવે છે. પરંતુ કેટલીક વખત આ ઉપાય ગંભીર અકસ્માત સર્જે છે. દિલ્હીના ખેડા વિસ્તારના પરિવારે કડકડતી ઠંડીથી બચવા સગડીનો ઉપયોગ કર્યો. પરંતુ આ ઉપાય તેમના મોતનું કારણ બન્યો.

રૂમના ધુમાડામાં પરિવાર ગૂંગળાયો

દિલ્હીના ખેડા વિસ્તારમાં એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ખેડાના ઇન્દ્રપુરી વિસ્તારમાં રહેતા એક પરિવાર ઠંડીથી બચવા રુમમાં સગડી સળગાવી સૂઈ ગયો હતો. ત્યારે બંધ રુમમાં ધુમાડો થતા પરિવારના તમામ સભ્યોનું મોત થઈ ગયું હતું. આ પરિવારના તમામ ચાર લોકોનું ઝેરી ધુમાડામાં ગૂંગળાઈ જવાથી મોત થયું હતું. જ્યારે આ પરિવારની આસપાસ રહેતા લોકોએ પરિવારમાં કોઈ સભ્યની હિલચાલ ના જોતા પોલીસને જાણ કરી હતી.

પોલીસ ઘટનાસ્થળ પર આવી ઘરનો દરવાજો તોડ્યો હતો. દરવાજો તોડતા જ નજર સામે ચાર લોકોની લાશ પડેલી જોવા મળી. પોલીસનું કહેવું છે કે ઘરનો દરવાજો બંધ હતો અને રુમમાં સગડી ચાલુ હતી. તેના કારણે આખા ઓરડામાં ઝેરી ધુમાડો ફેલાઈ ગયો હતો. ઘટનાસ્થળ પરની સ્થિતિ જોતા સગડીથી આગ લાગતા અને બાદમાં આ આગના ધૂમાડામાં ગૂંગળાઈ જવાના કારણે પરિવારના લોકોનું મૃત્યુ થયું હોવાનું પોલીસને પ્રાથમિક નજરે લાગે છે. એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે ઘરમાંથી 4 લોકોની લાશ મળી હતી. જેમા પતિ-પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે.

ઠંડીથી બચવા રૂમમાં સગડી સળગાવી

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તપાસ પ્રમાણે આ તમામ લોકોએ ઠંડીથી બચવા માટે રુમમાં સગડી સળગાવીને રાખી હતી. તેના ધુમાડાના કારણે ગૂંગળાઈ જવાથી આ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં જે બાળકોના મોત થયા છે, તેમા એક સાત વર્ષનું અને બીજું આઠ વર્ષનું બાળક છે. હાલમાં પોલીસે મૃતદેહોને વધુ તપાસ માટે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. ઈન્દ્રપુરીમાં અન્ય એક ઘટનામાં આ પ્રકારની સમાનતા જોવા મળી. જેમાં મૂળ નેપાળના બે લોકો સગડી સળગાવીને સૂઈ ગયા હતા. આ બંનેના પણ ગૂંગળાઈ જવાથી મોત થયા હતા. આ બંને વ્યક્તિ મૂળ નેપાળના છે. તેમાં એકની ઉંમર 56 અને બીજાની 22 વર્ષ છે.

ઠંડીથી બચવાનો ઉપાય નુકસાન ના કરે રાખો ધ્યાન

નિષ્ણાતોના મતે રૂમમાં કોલસો કે લાકડું સંપૂર્ણપણે ના બળે ત્યારે તેમાંથી ધુમાડો નીકળે છે. તેના કારણે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઈડ વાયુ બને છે. આ ઉપરાંત બંધ રુમમાં સતત આગ સળગાવવાથી કે બ્લોઅર અથવા હીટર ચલાવવાથી પણ ધીમે ધીમે ઓક્સિજન ઘટી જાય છે અને પછી ઝેરી વાયુઓનું પ્રમાણ વધી જાય છે. આ કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જો કે વધુ ઉંઘમાં ક્યારેક આ બાબતનો ખ્યાલ પણ નથી આવતો અને વ્યક્તિ મોતને ભેટે છે.


આ પણ વાંંચોઃ 

આ પણ વાંંચોઃ