અમદાવાદ: એન્ટી કરપ્શન બ્યુરોએ પોતાની ફરજ ભૂલી બેસેલા અધિકારીઓને ધોળે દિવસે તારા દેખાડવાનું શરૂ કર્યું છે. એસીબીએ અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના એક મહિલા પીએસઆઈને માત્ર 1000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે.
મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ડાયમંડ ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ એક હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. મારામારીના એક કેસને લઈને બાઈક છોડાવવા માટે પોલીસ કર્મચારીઓએ બે હજાર રૂપિયાની માંગણી કરી હતી. બાઈક માલિકે એક હજાર રૂપિયા પહેલા આપી દીધી હતા, જ્યારે એક હજાર રૂપિયા આપવાના બાકી રાખ્યા હતા.
ઘટનાક્રમ જાણે એમ છે કે, બાપુનગર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામા ફરિયાદીની બાઇક પોલીસ દ્વારા કબજે કરવામાં આવી હતી. આ બાઈક છોડાવવા માટે ઇસમે કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ આ અરજીમાં પોલીસનો અભિપ્રાય જોડવો ફરજિયાત હતો, જેથી ફરિયાદી ડાયમંડ ચોકીના મહિલા પીએસઆઈ જે.એસ રાવલ પાસે ગયો હતો. આ દરમિયાન અભિપ્રાય આપવા માટે પીએસઆઈ તરફથી બે હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
પીએસઆઈના રાયટર તરીકે કામ કરતા રીંકુ પટણીએ એક હજાર રૂપિયા લઈ લીધા હતા. પરંતુ ફરિયાદીને અન્ય એક હજાર રૂપિયા આપવા ન હોવાથી તેને એસીબીનો સંપર્ક સાધ્યા હતો. તો એસીબીએ ફરિયાદીની ફરિયાદના આધારે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને પકડી પાડવા માટે ટ્રેપ ગોઠવી દીધી હતી. ટ્રેપ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રિંકુ અને મહિલા પીએસઆઈ જે.એસ રાવલ લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. એસીબીએ બંને પોલીસ કર્મચારીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે, સાયબર ક્રાઈમનો કર્મચારી ત્રણ લાખની લાંચ પ્રકરણમાં એસીબીના હાથે ઝડપાયો હતો. હવે આ પ્રકરણમાં એક પીઆઇ શંકાસ્પદ છે અને એની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. તે અંગેની આગળની તપાસ એસીબી કરી રહી છે. આમ અમદાવાદ શહેરમાં એસીબીએ પોતાની કામગીરીને તેજ કરી દેતા ભ્રષ્ટ સરકારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો-શું છે આખો મામલો, શું કહ્યું એપલે, શા માટે માત્ર વિપક્ષી નેતાઓને જ મળ્યું આ એલર્ટ?
આ પણ વાંચો- ગુજરાત ATSના વડા દીપેન ભદ્રનની ટીમને મળશે સ્પેશિયલ ઓપરેશન મેડલ