ગુજરાતમાં ગેમઝોન અગ્નિકાંડને લઈને મોટો ઉહાપોહ મચ્યો છે. ગેમઝોન અગ્નિકાંડે સરકારની આંખો ખોલતા હવે તમામ એકમો માટે નિયમમાં મોટો બદલાવ કર્યો છે. ગેમઝોન કાંડ બાદ રાજ્ય સરકાર ફાયર સેફટી અને મંજૂરી માટે એક પોર્ટલ બનાવશે. એક જ પોર્ટલમાં એકમોને સંબંધિત તમામ મંજૂરી મળી રહેશે. ટીઆરપી ગેમઝોનમાં 28 જેટલા લોકોના મોત થતા રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જાગૃત નાગરીકો પણ હવે સુરક્ષાને લઈને સરકારને સવાલ કરવા લાગ્યા છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા એક મહિનામાં પોર્ટલ બનાવીને તૈયાર કરવાની યોજના હાલ બનાવવામાં આવી રહી છે. આ પોર્ટલમાં કાયમી અને હંગામી સ્ટ્રકચર માટે અલગ મંજૂરી મળશે. તમામ એકમો આ માટે ઓનલાઇન મંજૂરી મેળવી શકશે. ખાસ કરીને જે લોકો એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમઝોન ખોલવા માંગતા હોય તેમણે આ સંદર્ભે ફરજીયાત મંજૂરી મેળવવાની રહેશે.
રાજ્યમાં ચૂંટણીના અંતિમ તબક્કા પહેલા રાજકોટની ગેમઝોન દુર્ઘટનાએ ભારે બબાલ મચાવી છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયા. અને હજુ પણ મૃતકોની ઓળખ થઈ શકે નથી. એવું પહેલી વખત બની રહ્યું છે કે એકસાથે વધુ મૃતકોની ઓળખ કરવા DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ગેમઝોન દુર્ઘટનાએ સરકારને ઉંઘમાંથી જગાડી છે. આથી હવે સરકાર એમ્યુઝમેન્ટ પાર્ક, ગેમઝોન, બોટિંગ અને રોપ-વે જેવા એકમો માટે લેવાતી મંજૂરીને લઈને નિયમોમાં ફેરફાર કર્યા છે. જે અંતર્ગત એક પોર્ટલમાંથી તમામ એકમો મંજૂરી મેળવી શકાશે. એકમોએ કાયમી અને હંગામી બાંધકામ માટે અલગ-અલગ સર્ટિફિકેટ લેવા ફરજીયાત છે. નવી વેબસાઇટ ગૃહ, મહેસુલ, ટાઉન સહિતના વિવિધ વિભાગ સાથે જોડાયેલ હશે. આથી મંજૂરી મેળવેલ તમામ એકમોની માહિતી અધિકારીઓ સરળતાથી જોઈ શકશે. આગામી એક મહિનાની અંદર મંજૂરીને લઈને બનાવવામાં આવેલ નવું પોર્ટલ તૈયાર થઈ જશે.
જણાવી દઈે કે ગત ડિસેમ્બરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ, રિન્યુઅલ પ્રક્રિયા ઓનલાઈન કરવા સંદર્ભે ફાયર સેફ્ટી કોપ ઇ-પોર્ટલ લોન્ચ કર્યું હતું. સેવાઓને વધુ સુદઢ અને પારદર્શી બનાવવા ગુજરાત સરકાર દ્વારા ફાયર સેફ્ટી કોપ ઈ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. અને હવે ગેમઝોન અગ્નિકાંડ બાદ મંજૂરીને લઈને નિયમોમાં બદલાવ કરાતા રાજ્યભરમાં આડેધડ ખુલતા ગેમઝોન પર નિયંત્રણ લાગશે.
આ પણ વાંચો:ઓડિશામાં ભાજપના ઉમેદવાર પર લાગ્યો EVM તોડફોડનો આરોપ
આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરોને લઈ જતી ફ્લાઈટનું ફરી આવ્યું લેન્ડિંગ,મોટી દુર્ઘટના ટળી