ગત મોડી રાતે હળવદ હાઈવે પર આવેલ હોટલ મંગલ પાસે બંધ પડેલ ટ્રક પાછળ અન્ય ટ્રકનું ટાયર ફાટતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક ઉભી રાખી ઉભેલા ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ટ્રકના ડ્રાઈવરને ઈજાઓ પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મંગળવારની મોડીરાત્રીના હળવદ હાઈવે ઉપર આવેલ હોટલ મંગલ પાસે કચ્છ તરફથી અમદાવાદ તરફ જતી ટ્રકના ડ્રાઇવર ભીખુભાઈ હમીરભાઇ રાવતા (ઉંમર 49 રહે. ગોધ તા.રાપર જી.કચ્છ) ટ્રકને રોડની સાઈડમાં ઉભી રાખી ટ્રકના ટાયર ચેક કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવતી ટ્રકનું ટાયર ફાટતા તેના ચાલક વિશાલભાઈ શંકરારામજી રાજપુત રહે બનાસકાંઠાએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બંધ પડેલ ટ્રક પાછળ ધડાકાભેર ટ્રક અથડાઈ હતી. જેના કારણે ભીખુભાઈને ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે વિશાલ ભાઈને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશને પી.એમ. માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.