Ahmedabad News : ચોરીના કેસમાં અમદાવાદ રેલવે પોલીસે થોડા સમય પહેલા એક શખ્સની ધરપકડ કરી હતી. તે સમયે આરોપીએ તેની ઓળખ હર્ષિત ચૌધરી તરીકેની આપી હતી, જોકે તપાસમાં આરોપીનું નામ ખોટું હોવાનું સામે આવ્યું. ખરેખર આરોપીનું સાચું નામ હર્ષિત ચૌધરી નહિ, પરંતુ શહેબાજ ખાન હતું. પોલીસે વિગતવાર તપાસ કરતા આરોપીએ પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ તરીકેની ઓળખ આપીને આર્મી અધિકારીના પરિવારની યુવતી સહિત 14 હિન્દુ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધીને આરોપીએ પૈસા પણ પડાવ્યા હતાં. આરોપી અગાઉ આર્મીમાં નોકરી કરતો હતો, જ્યાંથી તેને મેડિકલ ગ્રાઉન્ડ પર કાઢી મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં આરોપી યુવતીઓને પોતે મેજર હોવાની ઓળખ આપતો હતો.
31 ઓગસ્ટે રેલવે પોલીસે એક ચોરીનો ગુનો નોંધ્યો હતો. જેમાં વંદે ભારત ટ્રેનમાંથી એક મુસાફરની બેગ ચોરી થઈ હતી. આ બેગમાં લેપટોપ અને સોનાની વીંટી સહિતનો સામાન હતો. રેલવે પોલીસે 7 સપ્ટેમ્બરે આ ગુનાનો ભેદ ઉકેલીને ચોરીના આરોપી હર્ષિત ચૌધરીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતે રાજસ્થાનના ભરતપુરના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે હર્ષિત ચૌધરીના નામથી આરોપીની ધરપકડ કરીને તેના વિરુદ્ધમાં તમામ કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં કાગળ પણ તૈયાર કરી દેવાયા હતા, પરંતુ આરોપીના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો હતો.
આરોપીનું સાચું નામ હર્ષિત ચૌધરી નહીં, પરંતુ મોહમ્મદ શેહબાઝ ખાન હોવાનું સામે આવ્યું હતું. આરોપી ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું હતું. આરોપીએ પોતાનું હર્ષિત ચૌધરી નામનું ખોટું આધારકાર્ડ બનાવી પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું. જેથી પોલીસે આ અંગે વધુ એક ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીએ shaadi.com વેબસાઈટ મારફતે તથા અલગ-અલગ ડેટિંગ એપ મારફતે પોતાની હર્ષિત ચૌધરી તરીકેની ઓળખ આપી હતી. આરોપી મુસ્લિમ હોવા છતાં પોતાની હિન્દુ તરીકેની ઓળખ તથા આર્મીમાંથી કાઢી મૂક્યો હોવા છતાં પોતે આર્મીમાં મેજર હોવાની ઓળખ આપીને યુવતીઓ સાથે સંપર્ક કરતો હતો.
આરોપીએ જમ્મુ-કાશ્મીર, સીલીગુડી, ગુજરાત, મુંબઈ, દિલ્હી, અલીગઢ સહિત દેશમાં અલગ-અલગ જગ્યાએ 14 હિન્દુ યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. આરોપીએ તમામ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આરોપીના અલીગઢમાં 2016માં એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન પણ થઇ ચૂક્યા છે, જેમાં બે બાળકો પણ છે. આરોપીના ભાઈ એરફોર્સમાં અધિકારી છે, જ્યારે પિતા નિવૃત્ત આર્મી અધિકારી છે. આરોપીની ઉંમર 30 વર્ષની છે.
આરોપી વર્ષ 2015માં આર્મીમાં સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી લાગ્યો હતો. નોકરીમાં શરૂઆતમાં બે વર્ષની ટ્રેનિંગ હતી. આરોપીએ પોતાની નોકરી દરમિયાન પણ કેટલીક યુવતીઓનો સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત આર્મીમાં હોવાથી પ્રતિબંધ હોવા છતાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો. આમ આરોપીએ અનેક પ્રતિબંધિત કૃત્ય કર્યા હોવાથી આર્મીમાં તેને સજા પણ ફટકારવામાં આવી હતી. આરોપીના કૃત્યને લઈને તેને મેડિકલના આધારે આર્મીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આરોપીને આર્મી કેન્ટીનમાં કામગીરી કરી હોવાથી તે રેન્ક અને બેજ વિશે જાણતો હતો, જેથી તેને પોતાનો યુનિફોર્મ મેજર તરીકેનો બનાવ્યો હતો અને તે પહેરીને જ યુવતીઓને ફસવતો હતો.
આરોપીએ પોતાની અસલ ઓળખ છુપાવવા રાજસ્થાનના ભરતપુરના હર્ષિત ચૌધરી તરીકેની ઓળખ આપી હતી. આરોપીએ હર્ષિત ચૌધરીના નામથી બનાવટી આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ બનાવ્યા હતા. જેના આધારે બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવીને તેમાં અલગ-અલગ ટ્રાન્જેક્શન કર્યા હતા. આરોપીના ખાતામાંથી 50 લાખના ટ્રાન્જેક્શન થયા હોવાની પણ વિગત સામે આવી છે. આરોપીએ પોતાની મેજર તરીકેની ઓળખ આપીને આર્મી કેમ્પમાં પણ રોકાયો હોવાની વિગત સામે આવી છે. આ ઉપરાંત મુંબઈ, ગોવા, ગુજરાત સહિતના અલગ-અલગ રાજ્યોમાં યુવતીઓને ફસાવવા માટે એર ટ્રાવેલ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
આરોપીએ એક યુવતીને બહેન બનાવી હતી. આરોપી જ્યારે નવી યુવતીને પોતાના પ્રેમમાં ફસાવવા માટે પ્રયત્ન કરતો ત્યારે તેને સાથે લઈ જતો અને પોતાની બહેન તરીકેની ઓળખ આપીને નવી યુવતી અને તેના પરિવારને ફસાવતો હતો. આરોપી વિરુદ્ધમાં અલીગઢમાં પણ એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. આરોપી અંગે બેંકને, આર્મી, જ્યાં જ્યાં ટ્રાવેલ કર્યું તે ઓથોરિટીને ખોટા ડોક્યુમેન્ટ્ અંગે જાણ કરાશે, જેથી કોઈ ફરિયાદ નોંધાવવા માંગે તો તેમની પણ ફરિયાદ લેવામાં આવશે. આ ઉપરાંત 14 હિન્દુ યુવતીઓ સહિત અન્ય યુવતીઓને પણ આરોપીએ ફસાવી હોવાની શક્યતા છે, જેથી તે મામલે પણ તપાસ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: પાલિકાના ઢોર ડબ્બામાં ગૌવંશના મોતને લઈ ગરમાયું રાજકારણ, વિપક્ષે કર્યા આક્ષેપો
આ પણ વાંચો: દાદરા નગર હવેલીમાં ગૌતસ્કરો બેફામ,મહારાષ્ટ્રના ખાનવેલમાંથી ગૌવંશની તસ્કરી