સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 88 કરારી અધ્યાપકોની ભરતીમાં ‘સેટીંગ’ થયાના સ્ક્રીન શોટ વાયરલ થયા હતા. જે મામલે શિક્ષણ મંત્રીએ આ ભરતી પ્રક્રિયા રદ કરી તપાસના આદેશ આપ્યા હતાં. જેને લઈને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હોય આજે બપોરે ગાંધીનગરથી ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહોંચી હતી અને ભાજપના સિન્ડિકેટ સભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી. આ ઉપરાંત ઈન્ટરવ્યુ દરમિયાન હાથ ધરવામાં આવેલી પ્રક્રિયાના દસ્તાવેજો પણ ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવ્યાં હતાં.
રાજકીય રણસંગ્રામ બનેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની ભરતી મામલે ભાજપના સિન્ડિકેટ સભ્યો દ્વારા ભલામણ થયાની ચેટ વાયરલ થઈ હતી. જે પછી આ સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તો આ સમગ્ર મામલે તપાસનું દબાણ થતાં આજે ગાંધીનગરની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત લેવામાં આવી હતી. એટલું જ નહીં ભાજપના સિન્ડિકેટ સભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી.
સમગ્ર ભરતી કૌભાંડ મામલે આજે તમામ ભવનોના અધ્યક્ષની પણ તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં અધ્યક્ષોને ભરતી પ્રક્રિયા દરમિયાન ચોક્કસ ઉમેદવારને પસંદ કરવા માટે કોઈનું દબાણ હતું ખરાં? સહિતની પૂછપરછ કરવામાં આવી હતી એટલું જ નહીં તમામ અધ્યક્ષોના જવાબ લેખિતમાં લેવામાં આવ્યા હોવાની વાત પણ સામે આવી છે.