@પ્રવીણ દરજી
શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન. ભાઈ-બહેનના પવિત્ર બંધનના તહેવારની લોકો આજે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરે છે. બહેનો ભાઈના હાથે રાખડી બાંધી ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે. ત્યારે ગુજરાતના પાટણ જિલ્લાના સમી તાલુકાનું ગોધાણા ગામ એવું છે કે, જ્યાં રક્ષા બંધનના દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધતી નથી. ગોધાણા ગામના લોકો બળેવના પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમના દિવસે નહીં પણ ભાદરવા સુદ 13ના દિવસે કરે છે. ભાદરવા સુદ 13ના દિવસે જ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે. ગામલોકોનું માનીએ તો, આ પરંપરા 800 વર્ષથી ચાલી આવે છે. આ અનોખી પરંપરા પાછળ એક રસપ્રદ કથા જોડાયેલી છે. શું છે આ હકીકત આવો જોઈએ..
સમી તાલુકાનું ગોધાણા ગામ છે કે, જ્યાં આજના દિવસે રક્ષાબંધનની ઉજવણી નહીં થાય. જો કે, આ કોઈ આ વર્ષની વાત નથી વર્ષોથી આ ગામમાં રક્ષાબંધનના દિવસે ઉજવણી થતી નથી… જોકે ગોધાણ ગામમાં રહેતા લોકોનું માનીએ તો, આજથી 800 વર્ષ પૂર્વે શ્રાવણ સુદ પૂનમના પૂર્વે ગામના ચાર યુવાનો પરંપરા મુજબ માટલી લઈ ગામ તળાવમાં પાણી ભરવા ગયા હતા અને તે યુવાનો તળાવમાં આવેલ એક ખાડા માંથી પાણી ભરતા અચાનક ડૂબી ગયા. આ વાત ગ્રામજનોને ખબર થતા તેઓ તળાવ ખાતે દોડી આવ્યા અને તળાવની બહાર કલાકો સુધી યુવાનો બહાર આવે તેની રાહ જોઈ બેસી રહ્યા પણ યુવાનોની કોઈ ભાળ મળી નહીં. છેવટે ચાર યુવકો મૃત થયા હોવાનું સમજી ગામમાં પરત આવતા આખા ગામમાં શોકનું મોજું ફળી વળ્યું હતું. તે દરમ્યાન શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો પર્વ પણ આવતો હતો, પણ ગામમાં ચાર યુવાનોનું મોત થતા શોકનો માહોલ પણ હતો. જેથી ગ્રામજનોએ રક્ષાબંધન નહીં કરવા અંગે નિર્ણય કર્યો. પરંતુ, ભાદરવા સુદ 13ના દિવસે ગામના લોકો રક્ષાબંધનની ઉજવણી કરશે. તે જ દિવસે બહેનો પોતાના ભાઈના હાથે રાખડી બાંધશે.
ગામલોકોનું માનીએ તો, દિવસો વીત્યા તે દરમ્યાન ગામમાં રહેતા મુખીને રાત્રી દરમ્યાન સ્વપ્ન આવ્યું. જેમાં ગ્રામજનોના આસ્થા સમાં ગોધણશાપીર દાદા આવ્યા અને તેમને કહ્યું કે આવતીકાલે સવારે આખું ગામ ભેગુ થઈ અબીલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે જજો. ત્યાં ડૂબેલ ચાર યુવાનો તમને મળી જશે. આ પ્રકારના સ્વપ્નની વાત સવારે મુખીએ ગ્રામજનોને કરતા આખું ગામ અબીલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે પહોંચ્યા. ત્યાં તળાવમાંથી ચાર યુવાનો બહાર નીકળતા ગ્રામજનોએ જોતા મોટો ચમત્કાર થયો હતો. આખા ગામમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી. આ યુવાનો શ્રાવણ સુદ પૂનમના 28 દિવસ બાદ તળાવમાંથી જીવિત બહાર આવ્યા હતા, ત્યારે ગામમાં રહેતી દીકરીઓએ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી.
ગામની દીકરીઓ પણ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરતી નથી, પણ ભાદરવા સુદ તેરસના દિવસે દીકરીઓ ગામમાં આવે છે. તેમના ભાઈના હાથમાં રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે. આ પ્રકારે 800 વર્ષ પૂર્વેની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. ગામમાં ચાલી આવતી 800 વર્ષ જૂની પરંપરા માત્ર ગામની દીકરીઓ નહીં, પણ ગામમાં પરણીને આવેલ સ્ત્રી પણ આ પરંપરા જાળવી રહી છે અને તે મુજબ ભાદરવા સુદ તેરસના રોજ તેઓ પણ તેમના પિયરે જઇ તેમના ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે. આમ ગામની દીકરીઓની સાથે ગામમાં પરણીને આવેલ દરેક સ્ત્રી પણ પરંપરા નિભાવે છે.
આ પણ વાંચો:વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં અગ્રેસર રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન
આ પણ વાંચો: વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે
આ પણ વાંચો: રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ સ્થાને તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો