દેશની આર્થિક રાજધાની મુંબઇમાં મેટ્રો પ્રોજેક્ટ માટે કાપવામાં આવતી આરે કોલોનીમાં વૃક્ષોનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યા સુપ્રીમ કોર્ટે ઝાડ કાપવા પર પ્રતિબંધ મુકી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ જે ઝાડ કાપી દેવામાં આવ્યા છે તે બાદ હવે કોઇ પણ ઝાડ કાપવામાં નહી આવે. છેલ્લા એક અઠવાડિયાથી આ મામલે મુંબઇની સડકો પર પ્રદર્શનો થઈ રહ્યા છે, ઘણા પ્રદર્શનકારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, બોમ્બે હાઈકોર્ટ દ્વારા 2,646 ઝાડ કાપવાની મંજૂરી આપવામાં આવી હતી.
મુંબઈની આરે કોલોનીમાં મેટ્રો શેડનાં નિર્માણ માટે ઝાડ સતત કાપવામાં આવતા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનવણી શરૂ થઇ હતી. સુપ્રીમ કોર્ટનાં ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા અને ન્યાયાધીશ અશોક ભૂષણની વિશેષ ખંડપીઠે પીઆઈએલની સુનવણી દરમિયાન, ઝાડ કાપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વૃક્ષો કાપવાના વિરોધમાં કાયદાનાં વિદ્યાર્થીઓએ રવિવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને એક પત્ર લખ્યો હતો, જેને કોર્ટે પીઆઈએલ તરીકે ગણી સુનવણી શરૂ કરી હતી.
વરિષ્ઠ વકીલ સંજય હેગડે આ કેસમાં અરજદારો વતી દલીલ કરી રહ્યા છે. વળી, વિદ્યાર્થીઓને મેમોરેન્ડમ આપનાર વતી ગોપાલ શંકર નારાયણન પણ હાજર થયા છે. તુષાર મહેતા મહારાષ્ટ્ર સરકાર વતી અને મુંબઈ મેટ્રો વતી મનિન્દર સિંઘ દલીલો રજૂ કરશે. સુનવણી દરમિયાન સંજય હેગડેએ કહ્યું હતું કે, 1997 નાં ગોદાવમન કેસમાં સુપ્રીમ કોર્ટનાં ચુકાદામાં વન વિસ્તારની વ્યાખ્યા હજી બદલાઇ નથી.
કોર્ટે પૂછ્યું કે શું કોઈ એવી સૂચના છે કે જેના દ્વારા આરે વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવેલ હોય. કોર્ટે કહ્યું કે, એડવોકેટ ગોપાલ શંકર નારાયણનું કહેવુ છે કે રાજ્ય સરકારે તે સૂચના પાછી ખેંચી લીધી, શું તમે અમને તે સૂચના બતાવી શકો છો? જસ્ટીસ મિશ્રાએ કહ્યું કે અમારી માહિતી અનુસાર આ કોઈ NO ડેવલપમેન્ટ ઝોન હતો, ઇકો સેન્સેટીવ ઝોન નહીં. જો તે નથી, તો તમારા દાવાની પુષ્ટિ કરવા માટે દસ્તાવેજ બતાવો.
ગોપાલ શંકર નારાયણે સ્પષ્ટતા કરી હતી કે, આરેનો વિસ્તાર ઇકો સેન્સિટિવ વિસ્તાર છે કે નહીં, આ મામલો એનજીટી પાસે પેન્ડિંગ છે. તે પહેલા ઓથોરિટીએ ઝાડ કાપવાનું કામ શરૂ ન કરવુ જોઇતુ હતુ. તેમણે કહ્યું, 4 ઓક્ટોબરથી ઝાડ કાપવાનું કામ ગેરકાયદેસર રીતે શરૂ થયું હતુ. સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાલમાં ઝાડનાં કાપને અટકાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે આ મામલે મહારાષ્ટ્ર સરકાર પાસે રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા લોકોને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
મુંબઈમાં મેટ્રો પ્રોજેક્ટ-3 માટે આ ઝાડ કાપવામાં આવી રહ્યા હતા, પરંતુ ઘણા પ્રદર્શનકારીઓ, હસ્તીઓ તેનો વિરોધ કરી રહ્યા હતા. આરેનાં આ ઝાડને મુંબઈનાં ફેફસાં કહેવામાં આવે છે, આ કટીંગ સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. જેમાં તેમણે જંગલ તરીકે જાહેર કરવા અપીલ કરી હતી જેથી ઝાડ કાપવામાં ન આવે. જો કે, બોમ્બે હાઈકોર્ટે તેને જંગલ ન માન્યું અને તુરંત જ ઝાડ કાપવાનું કામ શરૂ કરી દીધું.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN