આઝાદીના 75 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સાંસ્કૃતિક, આર્થિક, સામાજિક સહિત અનેકવિધ ક્ષેત્રોમાં વિવિધતા ધરાવતો આપણો દેશ તા.15મી ઓગસ્ટ,1947ના રોજ સ્વતંત્ર થયો.2022નુ વર્ષ આપણે આઝાદી ના અમૃત મહોત્સવ તરીકે ઉજવીએ છીએ.મહામૂલી આઝાદીની પ્રાપ્તિ માટે અનેક નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોએ પોતાના જીવનની આહૂતિ આપી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના નાના એવા માલપુર તાલુકાના શ્રીમાન રામશંકર જયશંકર ઉપાધ્યાયએ પણ પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું હતું. અને દેશની આઝાદીની લડતમાં પોતાના જીવનનું અમુલ્ય યોગદાન આપ્યું હતું. આજે આપને તેઓના જીવન કવન વિશે વિગતે વાત કરીએ…
સાબરકાંઠા જિલ્લાના માલપુર મહાલમાં આવેલું 250 થી પણ ઓછી વસ્તી ધરાવતા મગોડી નામના એક રજવાડી સ્ટેટના મગોડી ગામના એક ગરીબ ખેડૂત બ્રાહ્મણ પરિવારમાં ઈ. સ. 1904 માં માલપુર તાલુકાના જ નહીં પરંતુ આપણા દેશના ગૌરવંતા રત્નો પૈકી એક રત્ન શ્રી રામશંકર જયશંકર ઉપાધ્યાયનો જન્મ થયો હતો. પિતા શ્રી જયશંકર કોદરલાલ ઉપાધ્યાય તથા માતા શ્રીમતી કાશીબહેન દ્વારા સુસંસ્કારોના સિંચન સાથે એક નીડર, જ્ઞાની અને લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવતા બાળકનું ઘડતર થવા લાગ્યું હતું. વધતી ઉંમરની સાથે જ બાળક રામશંકર ભાઈનું સ્થાનિક સ્કૂલમાં પદાર્પણ થયું અને તે સાથે જ જાણે આ ગ્રામીણ હીરો ધીમે ધીમે ખૂબ જ પ્રકાશિત થવા લાગ્યો હતો. ધોરણ ચાર સુધીના અભ્યાસ દરમ્યાન તેમણે મગોડી ખાતે એક તેજસ્વી વિદ્યાર્થી તરીકેની છાપ ઉભી કરી હતી. તેઓ નાનપણથી જ પોતાના ગુરુજી દ્વારા અપાતા જ્ઞાનનો છણાવટ પૂર્વક અભ્યાસ કરતા હતા.
આ દરમિયાન સમયાંતરે શાળામાં આવતા અભ્યાસ ચકાસણી માટેના અંગ્રેજ ઓફિસરોની કડકાઈ અને વિદ્યાર્થીઓને કરવામાં આવતી અમાનવીય દંડનીય શિક્ષા શ્રી રામશંકરભાઇ જોઈ ન શકયાં તેમજ નાની ઉંમરથી જ તેમના દિલોદિમાગમાં જાગેલી અંગ્રેજો માટેની નફરત જાણે ઘર કરવા માંડી હતી. આવા સમયે ફાનસના અજવાળે અભ્યાસમાં રસ દાખવી પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાની ઉદ્ભવેલી લાગણીને સાકાર કરવા તેમણે નજીકમાં આવેલા માલપુર સ્ટેટની શાળામાં પ્રવેશ મેળવીને આગળ અભ્યાસ શરૂ કર્યો હતો. માલપુર અભ્યાસ માટે આવતા સમયે તેમના સાથી મિત્રો સાથે બે વાંઘાં તથા વાત્રક નદી પસાર કરીને જંગલ વિસ્તારમાં થઈને પસાર થવું પડતું હતું.
અભ્યાસની સાથે સાથે તેઓ ખેલકૂદમાં પણ રસ ધરાવતા નિપુણ ખેલાડી હતા. ખાસ કરીને તરણ અને કબડ્ડી તેઓશ્રીની પસંદગીની રમત હતી. તેઓ શાળા તરફથી અન્ય રમત સ્પર્ધામાં પણ ભાગ લેતા અને અવશ્ય જીત મેળવતા. એકવાર માલપુર શાળાએ જતાં ચોમાસા દરમિયાન તેમના સાથી મિત્રો પૈકી એક મિત્ર વાત્રક નદીમાં આવેલ પુરના કારણે તણાવા લાગ્યો હતો અને આ ભયાનક દ્રશ્ય જોઈ બધા જ મિત્રો ભયભીત બની ગયા હતા પરંતુ બહાદુર એવા શ્રી રામશંકરભાઇએ પોતાની તમામ હિંમત એકઠી કરીને નદીમાં ઝંપલાવ્યું હતું અને પોતાના ખાસ મિત્રને સહીસલામત રીતે બચાવીને બહાર લાવ્યા હતા. દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહેતા આ સર્વજ્ઞ વિદ્યાર્થીએ અંગ્રેજી વિષય સાથે ધોરણ 7 એટલે કે ફાઈનલની પરિક્ષા ઈ. સ. વર્ષ 1923 માં પાસ કરી લીધી હતી.
આ દરમિયાન પરીવારની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે તેમનો સમગ્ર પરીવાર નજીકના માલપુર સ્ટેટના માલપુર નગરમાં આવેલા તેમના મોસાળમાં આશરો લઈને મહેનત કરી ગુજરાન ચલાવવા લાગ્યા હતા. આ પરીસ્થિતિ જોઇને વધુ અભ્યાસ કરવા માટેની તીવ્ર ઇચ્છા હોવા છતાં પણ લાગણીશીલ રામશંકરભાઇએ પોતાની ઈચ્છાઓને દબાવીને દવાખાનામાં કંપાઉન્ડર બનવા માટેની વડોદરા ખાતેની સંસ્થામાં તાલીમ લીધી હતી અને ખૂબ જ સારી રીતે સફળતાપૂર્વક પાસ કરી હતી. તેઓશ્રીએ વર્ષ 1925 માં માલપુર સ્ટેટની હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી મેળવી હતી. આ નોકરી દરમિયાન પણ તેઓએ ખૂબ જ સારી રીતે જન સેવા કરીને અવર્ણનીય લોક ચાહના મેળવી હતી. તેઓની આ નોકરી દરમિયાન પણ બ્રિટિશરોની દખલગીરી તેમને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી હતી. સાથે સાથે ખૂબ જ ઓછું વેતન મળવાને કારણે અને હૃદયના એક ખૂણામાં ઉદ્ભવેલ દેશ પ્રેમના કારણે શ્રી રામશંકરભાઇએ કમ્પાઉન્ડર તરીકેની નોકરી છોડીને મોડાસા ખાતે ચાલતા ડ્રાઇવિંગ શીખવા માટેના ક્લાસમાં પ્રવેશ મેળવી ડ્રાઈવીંગ શીખ્યા હતા. ડ્રાઇવિંગ માટેની કુશળતાને કારણે તેઓએ સૌપ્રથમ મોડાસાની સૈયદ ટ્રાન્સપોર્ટની મુસાફર બસ ચલાવવા માટેની મળેલી નોકરી સ્વીકારી હતી.
આ સમયગાળામાં દરિયાપારથી આવેલા ગોરાઓની વધી રહેલી જનતા ઉપરની જોહુકમી પ્રત્યક્ષ પણે જુદા જુદા ગામોમાં નીહાળી તેમનો અંતરઆત્મા લાગણીવશ બની ચૂક્યો હતો તથા દેશવાસીઓ ઉપર અંગ્રેજો દ્વારા થતાં અત્યાચારો રોકવા માટે પ્રેરિત થયા હતા પરંતુ શું કરવું તેનો નિર્ણય કરી શક્યા નહોતા. આ દરમિયાન માલપુર સ્ટેટના રાજવી દરબાર સાહેબ શ્રીમાન ગંભીરસિંહજીએ તેમની ડ્રાઈવીંગની કુશળતાને ધ્યાનમાં લઇને પોતાના ખાસ ડ્રાઇવર તરીકે નોકરી રહેવા જણાવતાં દરબાર સાહેબના ડ્રાઈવર તરીકે નોકરી સ્વીકારી હતી. બીજી તરફ તેઓની પુખ્ત વયની ઉંમર થતાંજ તેમના પિતા દ્વારા તેમનું લગ્ન રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના સીમલવાડા ગામના ભુરારામ સાંકળચંદ પંડ્યાની સુસંસ્કારી સુપુત્રી શ્રીમતી કેશરબહેન સાથે કરાવવામાં આવ્યું હતું.
ડ્રાઇવર તરીકે નોકરી દરમિયાન માલપુર દરબારમાં આવનજાવન કરતા અંગ્રેજોની વર્તણૂક અને વ્યવહાર શ્રી રામશંકરભાઇને બેચેન કરી રહ્યાં હતાં. આ દરમિયાન સમગ્ર ભારત દેશમાં અગ્રણી નેતાઓ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય માનવતાવાદી કાર્યકરો દ્વારા દરેક જિલ્લાઓમાં પ્રજામંડળ નામના સંગઠનની સ્થાપના થવા લાગી હતી જેનો મુખ્ય ઉદ્દેશ અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરવાનો હતો. આમ હિન્દ છોડો ચળવળના સક્રિયપણે શ્રી ગણેશ થઈ ચૂક્યા હતા. હવે શ્રી રામશંકરભાઇનો જીવ આ આંદોલનમાં સામેલ થવા થનગની રહ્યો હતો જેથી તેઓશ્રીએ માલપુર સ્ટેટના રાજવી દરબાર સાહેબશ્રી ગંભીરસિંહજી સમક્ષ ડ્રાઈવર તરીકેની નોકરી છોડવા જણાવીને તેઓશ્રીની સહમતિ મેળવી લીધી હતી. દેશની જનતાને ગોરાઓની ચુંગાલમાંથી મુક્ત કરવા અગ્ર પંક્તિના નેતાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા સંગઠનનો હિસ્સો બનવાના નિરધાર સાથે તેમણે માલપુર તાલુકામાં પણ પ્રજામંડળની સ્થાપના કરી અને સતત ત્રણ વર્ષ સુધી આ સંગઠનના સેક્રેટરી તરીકે સેવા આપી હતી. ઉપરથી આવતા અગ્રણી નેતાઓના સંદેશાઓને અનુસરીને અંગ્રેજોને સહકાર નહીં આપવા અને કોઈપણ જાતનો વેરો કે મહેસૂલ ન ભરવા લોકજાગૃતિ ફેલાવવાનું કામ ચાલુ રાખ્યું હતું. આ અંગેની માહિતી અંગ્રેજોને મળતા શ્રી રામશંકરભાઈને કોઈ પણ કિંમતે પકડવા માટે આદેશ કર્યો હતો પરંતુ હોશિયાર, ચાલાક તેમજ ડ્રાઈવર તરીકેની નોકરી કરવાથી અંતરિયાળ રસ્તાઓના જાણકાર બની ચુકેલા શ્રી રામશંકરભાઇ ગુપ્ત રસ્તે થઈને ઇડર નજીક આવેલા વેરાબર ગામમાં રહેતા મિત્રને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાંથી અન્ય સ્થળોએ પોલીસને હાથતાળી દઈ અજ્ઞાતવાસમાં રહી લોક જાગૃતિ લાવવાનું કાર્ય ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન તેમના ત્યાં પુત્રીનો જન્મ થયો હતો જેનું નામ લીલાવતી રાખવામાં આવ્યું હતું. ઘરે અવતરેલ દિકરીનું મુખારવિંદ જોવાની ઈચ્છાને કારણે ખૂબ જ ગુપ્ત રીતે આવીને ઈચ્છાપૂર્તિ કરી હતી. ત્યારબાદ તેઓ સાબરકાંઠાની સરહદે આવેલા રાજસ્થાનના સીમલવાડા, ધંબોલા થી લઈને ડુંગરપુર સુધીના વાગડ વિસ્તારમાં શ્રી ભોગીલાલ પંડ્યા તથા અન્ય કાર્યકરો સાથે મળીને અંગ્રેજો હિંદ છોડોની ચળવળને સક્રિય બનાવી હતી. એકવાર તેમને પકડવા આવેલ અંગ્રેજ ટુકડી ઉપર રાજસ્થાનના અંતરીયાળ વિસ્તારના આદીવાસી લોકોની મદદથી પ્રતિકાર કરીને અંગ્રેજોને ફરી હાથતાળી આપી ભાગી છુટવામાં કામયાબ રહ્યા હતા.
જેમ જેમ સંગઠન મજબૂત થતું ગયા તેમ તેમ અંગ્રેજોની મનોદશા વ્યાકુળ બનતી ગઈ અને હવે તેમને ખબર પડી ગઈ હતી કે આપણે હિન્દુસ્તાન છોડવાનો સમય નજીક આવી રહ્યો છે. દેશના જુદા જુદા વિસ્તારોમાં ઉદભવેલી જનજાગૃતિને કારણે હવે અંગ્રેજો દરેક મોરચે પરાસ્ત થવા લાગ્યા હતા. અંતે અહિંસક લડતની મદદથી ધ્યેય પ્રાપ્તિનો નિરધાર કરનાર આઝાદીના ઘડવૈયા મહાત્મા ગાંધીજીના માર્ગે ચાલીને તથા દેશવાસીઓની એકતાનું પ્રદર્શન કરીને 15 મી ઑગસ્ટ 1947 ના રોજ સમગ્ર ભારત દેશને ગુલામીમાંથી મુકત કરવામાં સફળતા મળી હતી. પરંતુ આઝાદ ભારત દેશનું પોતાનું બંધારણ ન હોવાને કારણે નવું બંધારણ ન બને ત્યાં સુધી જુના ઢાંચા પ્રમાણે વહીવટ ચલાવવામાં આવ્યો હતો અને બંધારણની રચના થતાં જ 26મી જાન્યુઆરી 1950 ના શુભદિને ભારતદેશ પ્રજાસત્તાક બન્યો હતો. વળી આજ વર્ષમાં તેમના ત્યાં બીજી દિકરી નામે દમયંતી બહેનનો જન્મ થયો હતો. શરૂઆતથી જ મહિલા માટે આદરભાવ ધરાવતા રામશંકરભાઇએ દીકરીનાં વધામણા કરી બ્રાહ્મણો ને ભોજન કરાવી જાણે ઉત્સવ મનાવ્યો હતો. ત્યારબાદ દેશનો વહીવટ સરળતાથી ચાલે તે માટે જુના સ્ટેટનાં રાજ્યોનું અખંડ ભારતમાં વિલીનીકરણ જરૂરી બન્યું હતું. આ સત્કાર્ય માટે રાજવીઓ સાથે પરામર્શ અને સમજાવટનો દોર ચાલું થયો હતો આ ભગીરથ કાર્ય માટે પણ શ્રીમાન રામશંકરભાઈએ સક્રિય રીતે કામ કરી તેની સફળતામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેઓએ ગ્રામીણ વિકાસ માટે સક્રિય ભાગ લીધો હતો. તેમને બહુહેતુક મંડળીના ચેરમેન તરીકે નું પદ આપવામાં આવ્યું હતું તે પદ ઉપર રહી તેમણે ગ્રામ્ય વિકાસ માટેના અનેક કાર્યો કર્યા હતા. ત્યારબાદ તેમણે મહિલા શિક્ષણ માટે જાગૃતિ લાવવા એક અભિયાન શરૂ કર્યું હતું. આમ ભારત દેશ આઝાદ થયા પછી પણ આ લોકસેવકનાં સેવાકાર્ય ચાલુ રહ્યા હતા. તેમનું મુખ્ય કામ પછાત વર્ગના લોકોને બંધારણ મુજબનું કાયદાકીય જ્ઞાન આપવાનું તથા તેમને શિક્ષીત બનાવવા માટે પ્રયત્ન કરવાનું હતું.
શ્રી રામશંકરભાઈની કાર્યપધ્ધતિ જોઈને તેમને મુબઈ રાજ્યમાં મેમ્બર ઑફ લેજિસ્લેટિવ કાઉન્સિલ (ધારાસભ્ય) તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. તેઓશ્રીએ મુંબઈ વિધાનસભામાં તેમના વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિનું વર્ણન કરીને ડુંગરાળ અને પથરાળ જમીનમાં રહેતા અવિકસીત લોકોની જરૂરિયાતો અને તેમને શિક્ષિત કરવા માટેના ઉપાયો જણાવીને વધુ ને વધુ લાભ મળે તેવી રજૂઆતો કરીને મહત્તમ લાભ અપાવ્યો હતો. તેમના વિસ્તારના આદીવાસી લોકો દ્વારા મહુડાનાં ફુલ અને ફળના થતાં ઉપયોગ વીષેની જાણકારી ધારાસભામાં આપી મહુડાનો દારૂ બનાવવા સિવાય મહુડાનાં લાડુ આદીવાસી અને ગરીબ લોકો માટે શક્તિ વર્ધક ઓસડ હતું તેમજ તેના અન્ય ઉપયોગથી સરકારશ્રીને માહિતગાર કરીને મહુડાની સીઝનના ત્રણ મહિના દરમિયાન મહુડાના ઉપયોગ પરનો પ્રતિબંધ ઉઠાવી લઈને આ સમયને મહુડાના વેકેશન તરીકે ગણવાનો કાયદો બનાવવામાં સિંહ ફાળો આપ્યો હતો. આમ તેઓ નાનામાં નાના પછાત વ્યક્તિઓના હિતચિંતક રહ્યા હતા.
મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યો છુટા પડ્યા પછી તેઓ ગુજરાતના વિકાસ માટે કાર્ય કરતા રહ્યા હતા. કોંગ્રેસના સક્રિય સભ્ય હોવાને કારણે અને તેમની આગવી સૂઝબૂઝને ધ્યાનમાં લઈને તેઓશ્રીને જિલ્લા વિકાસ બોર્ડમાં સભ્ય તરીકે કામ કરવાની તક મળી હતી. સતત ત્રણ ટર્મ સુધી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે રહીને તેઓશ્રીના શિક્ષણ અને ખાસ કરીને કન્યા કેળવણી અંગે ના રસ ને ધ્યાનમાં રાખી સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક આપવામાં આવી હતી. આ હોદ્દા ઉપર તેમણે સતત 10 વર્ષ સુધી સેવા આપી હતી. તેમના આ કાર્યકાળ દરમ્યાન પ્રૌઢ શિક્ષણને પ્રોત્સાહન આપવા રાત્રિશાળા શરૂ કરીને સાક્ષરતા અભિયાનને વધુ વેગવાન બનાવ્યું હતું. તેઓ જાતે ઓચિંતા સ્કૂલોની મુલાકાત લેતા અને શિક્ષણ પધ્ધતિની સમીક્ષા કરીને જરૂરી બદલાવ માટે ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરી જરૂરી પ્રશ્નોને વાચા આપતા હતા.
સ્વતંત્ર સેનાની શ્રી રામશંકરભાઇનું જીવન આમજનતા માટે ખુબ જ સાદગીભર્યું પ્રેરણાદાયક રહ્યું હતું. તેમની બંને શિ઼ક્ષક દીકરીઓ પૈકી મોટા લીલાવતી બહેનના લગ્ન માલપુર ખાતે શિક્ષકનો વ્યવસાય કરતા શ્રી કંચનલાલ બાબુલાલ પંડ્યા સાથે કરવામાં આવ્યા હતા તથા નાની દીકરી દમયંતી બહેનના લગ્ન રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના ધંબોલા ગામના સરકારી પ્રિન્ટિંગ પ્રેસ,ઉદયપુરમાં નોકરી કરતા દ્વારકાપ્રસાદ ગણપતરામ પંડયા સાથે કરવામાં આવ્યા હતા. તેમના ઉત્તરાર્ધ જીવનમાં ધાર્મિક પ્રવૃત્તિઓ અને સમાજના કુરિવાજો નાબુદ કરવા પ્રયત્નશીલ રહ્યા હતા વર્ષ 1981 માં પત્ની કેશરબહેન 7 વર્ષ સુધી લકવાગ્રસ્ત રહ્યા પછી અવસાન પામ્યા હતાં. પુત્ર ન હોવાથી માલપુર ખાતે પરણાવેલી મોટી દિકરી લીલાવતી બહેન તથા તેમના પરિવારે પૂજ્ય દાદાશ્રીની સેવા કરવા માટેની મળેલી તકને અમુલ્ય ગણીને અંતકાળ સુધી આ સેવાનો લાભ લીધો હતો. વળી નાની દીકરી રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના ધંબોલા ખાતે પરણાવેલા હતા તેઓ પણ અવારનવાર આવી પિતાની સેવાનો લાભ મેળવતા હતા. જેનો જન્મ હોય તેનું મરણ નિશ્ચિત હોય જ છે. પ્રાત:સ્મરણીય શ્રી રામશંકરભાઇનો ટુકી માંદગી બાદ તારીખ:- 16/09/1991 ના દિવસે તેમનો પવિત્ર જીવનદીપ બુજાયો હતો. તેમની ઈચ્છા પ્રમાણે તેઓની શ્મશાન યાત્રા ખૂબ જ સાદગીપૂર્ણ રીતે નીકળી હતી. હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ પોતાના વિસ્તારના જ નહીં પરંતુ સમગ્ર દેશના આ વીર સપુત સ્વાતંત્ર્ય સેનાનીને અશ્રુભીની આંખોએ છેલ્લા દર્શન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી દેશમાં આવા તમામ સ્વાતંત્ર સેનાનીઓને મારા શત શત વંદન.
આ પણ વાંચો:ભારતમાં 24 કલાકમાં કોરોનાના 14,917 નવા કેસ, સતત બીજા દિવસે નવા કેસમાં ઘટાડો
આ પણ વાંચો:સોનિયા ગાંધીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી, પરંતુ સરકાર પર આ રીતે નિશાન સાધ્યું