Entertainment News: લોકપ્રિય ટીવી શો ‘મંગલ લક્ષ્મી’ના સેટ પર વધુ એક જીવલેણ અકસ્માત થયો છે. હજુ થોડા દિવસ પહેલા જ રૂપાલી ગાંગુલીના શો ‘અનુપમા’ના સેટ પર એક ગંભીર અકસ્માત થયો હતો, જેમાં એક ક્રૂ મેમ્બરનું મોત થયું હતું. અને આ અકસ્માત બાદ વધુ એક લોકપ્રિય ટી.વી.શોના શેટ પર અક્સમાત સર્જાયો. જેમાં ક્રૂ મેમ્બરની હાલત વધુ ગંભીર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી દીપિકા સિંહ અભિનીત શો ‘મંગલ લક્ષ્મી’ માટે કામ કરી રહેલા એક ઇલેક્ટ્રિશિયનને વીજળીનો કરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં ઇલેક્ટ્રિશિયન ખૂબ ઊંચાઇ પરથી પડી ગયો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. મીડિયા સૂત્રો મુજબ આ ક્રૂ મેમ્બરની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે, પરંતુ તેના પરિવારને કથિત રીતે મેકર્સ દ્વારા ધમકી આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
6 ડિસેમ્બરે થયો હતો અકસ્માત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના 6 ડિસેમ્બરે દીપિકા સિંહના ટીવી શો ‘મંગલ લક્ષ્મી’ના સેટ પર કામ કરતા ક્રૂ મેમ્બર ઈલેક્ટ્રીશિયન સાથે થઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઈલેક્ટ્રિશિયનને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ માહિતી ઓલ ઈન્ડિયા સિને વર્ક એસોસિએશન (AICWA) દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આપવામાં આવી છે.
AICWAએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘મંગલ લક્ષ્મીના સેટ પર આ દુર્ઘટનાને બે દિવસથી વધુ સમય વીતી ગયો છે. નિર્માતાઓ સતત ક્રૂ મેમ્બરના પરિવાર પર મોં બંધ રાખવા માટે દબાણ કરી રહ્યા છે. આ અકસ્માત માટે જે પણ જવાબદાર હશે તેની સામે FIR નોંધવામાં આવશે. આ સ્પષ્ટપણે બેદરકારીનો મામલો છે.
પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘આ પ્રકારનું વર્તન ફિલ્મ સિટીમાં શૂટિંગ કરતી વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખવાનું વલણ દર્શાવે છે. સેટ પર આ અકસ્માતો સતત થઈ રહ્યા હોવા છતાં, નિર્માતાઓ દ્વારા સેટ્સ પર સુરક્ષાને લઈને કોઈ કડક પગલાં લેવામાં આવી રહ્યા નથી. હવે સમય આવી ગયો છે કે સરકાર આમાં હસ્તક્ષેપ કરે.
‘મંગલ લક્ષ્મી’ શો આ વર્ષે જ શરૂ થયો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્રૂ મેમ્બરના પરિવારને કથિત રીતે મેકર્સ તરફથી સતત ધમકીઓ મળી રહી છે કે તેઓ સેટ પર થયેલા અકસ્માત સામે મોઢું ન ખોલે. જો તે સંમત નહીં થાય, તો તેને આપવામાં આવતી નાણાકીય સહાય બંધ કરવામાં આવશે. નોંધનીય છે કે દીપિકા સિંહનો શો ‘મંગલ લક્ષ્મી’ કલર્સ પર ટેલિકાસ્ટ થઈ રહ્યો છે. આ શો આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રસારિત થયો હતો, જેને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:જાણો એક સવાલ જેેણે ઐશ્વર્યાને મિસ વર્લ્ડનો તાજ પહેરાવ્યો, વિશ્વસુંદરી આજે 51 વર્ષની થઈ
આ પણ વાંચો:ઐશ્વર્યા રાય બચ્ચન ફરી ચર્ચામાં, અભિનેત્રીની V આકારની વીંટીએ લોકોમાં જગાવી ઉત્સુકતા