આજે અયોધ્યામાં સરયુ નદીના કિનારે ફિલ્મ ‘આદિપુરુષ’નું ટીઝર અને પોસ્ટર ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું, જેને જોવા માટે હજારો અયોધ્યાવાસીઓ એકઠા થયા હતા. આ અવસરે રામનો રોલ કરી રહેલ પ્રભાસ, સીતાની ભૂમિકામાં કૃતિ સેનન, નિર્દેશક ઓમ રાઉત, નિર્માતા ભૂષણ કુમાર અને લેખક મનોજ મુન્તાશીર હાજર હતા. આ પ્રસંગે હનુમાનગઢીના મહંત રાજુ દાસે પણ ખાસ હાજરી આપી હતી અને ફિલ્મને આશીર્વાદ આપ્યા હતા.
પાંચ ભાષાઓમાં ટીઝર લોન્ચ
હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષાઓમાં બનેલી ફિલ્મ ‘આદિપુરુષ’નું ટીઝર સ્ટાર્સની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સિવાય રામ કી પૌડીમાં ફિલ્મનું 50 ફૂટ લાંબું પોસ્ટર પણ અનોખી રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર લોન્ચની બીજી ખાસિયત એ હતી કે આ પોસ્ટર સરયુ નદીના પાણીની વચ્ચેથી બહાર આવ્યું હતું, જેનાથી ત્યાં એકઠા થયેલા લોકોનો ઉત્સાહ અનેકગણો વધી ગયો હતો.
નોંધનીય છે કે ‘આદિપુરુષ’ના પોસ્ટર અને ટીઝર લૉન્ચ માટે બનાવવામાં આવેલા ખાસ મંચ પરથી પ્રભાસ અને કૃતિ સેનન સાથે ત્યાં એકત્ર થયેલા સ્થાનિક અયોધ્યાવાસીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા.
પ્રેમ, આદર અને ડર સાથે અમે આ ફિલ્મ બનાવી છે
આ ફિલ્મમાં મર્યાદા પુરૂષોત્તમ રામનું પાત્ર ભજવી રહેલા પ્રભાસે આ પ્રસંગે કહ્યું હતું કે, “અમે અહીં ભગવાન રામના આશીર્વાદ લેવા આવ્યા છીએ. હું આ પાત્ર ભજવતા પહેલા થોડો ભયભીત હતો. ત્રણ દિવસ પછી મેં દિગ્દર્શક ઓમ રાઉતને ફોન કર્યો અને કહ્યું કે મારાથી કોઇ ભૂલ તો નહીં થઇ જાય ને… ઘણા પ્રેમ, આદર અને ડર સાથે અમે આ ફિલ્મ બનાવી છે. આશા છે કે અમને બધાને ભગવાન રામના આશીર્વાદ મળશે.”
કૃતિ સેનને કહ્યું..
‘આદિપુરુષ’માં સીતા મૈયાની ભૂમિકા નિભાવી રહેલી કૃતિ સેનને પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું, “હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કારણ કે ઘણા ઓછા કલાકારોને આવી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળે છે. મને આ પાત્ર ભજવવાનો મોકો મળ્યો…તે ખૂબ જ ખૂબ જ આનંદની વાત છે. આ એક યાદગાર ભૂમિકા છે એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. મને યાદ છે કે શૂટિંગના છેલ્લા દિવસે હું ખૂબ જ ભાવુક થઈ ગઇ હતી કારણ કે મારે આ પાત્ર છોડવું પડ્યું તે સારું નહોતું. મને આશા છે કે હું તમને નિરાશ નહીં કરું. કૃતિએ આગળ કહ્યું, “મોટા થયા ત્યારે આપણે બધાએ આપણા વડીલો પાસેથી રામાયણની વાર્તાઓ સાંભળી જ હશે, મને લાગે છે કે બાળકો અને પરિવારના દરેક સભ્યએ આ ફિલ્મ જોવી જોઈએ. તે આપણા ઇતિહાસનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે.
રામલીલામાં આપશે હાજરી
આ પ્રસંગે માહિતી આપતાં ‘આદિપુરુષ’ના નિર્દેશક ઓમ રાઉતે કહ્યું કે અયોધ્યા બાદ ફિલ્મની ટીમ વધુ એક મોટી ઘટનાનો ભાગ બનવા જઈ રહી છે. તેણે કહ્યું કે ટૂંક સમયમાં પ્રભાસ, કૃતિ સેનન અને ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો દિલ્હીમાં દશેરા દરમિયાન યોજાનારી રામલીલાના અવસર પર હાજર રહેશે.
પિતાનું સપનું પુર્ણ થયું
ફિલ્મના નિર્માતા અને ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમના દિવંગત પિતા ગુલશન કુમારનું સપનું હતું કે રામાયણ પર આધારિત ફિલ્મ બનાવે, આજે તેમનું સપનું સાકાર થયું છે. પ્રભાસ, કૃતિ સેનન, ઓમ રાઉત અને ભૂષણ કુમારે સરયુ નદીના કિનારે રામ કી પાઈડી ખાતે ફિલ્મના ભવ્ય કાર્યક્રમ પહેલા અયોધ્યાની મુલાકાત લીધી હતી અને ભગવાન રામના આશીર્વાદ લીધા હતા.