શનિવારે સાંજે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના પશ્ચિમ વિસ્તારમાં એક પછી એક ત્રણ બોમ્બ વિસ્ફોટ થયાં. ગર્લ્સ સ્કૂલ નજીક થયેલા આ વિસ્ફોટોથી ઓછામાં ઓછા 25 લોકોનાં મોત નીપજ્યાં છે. અફઘાનિસ્તાનના સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, મૃતકોમાં મોટાભાગે શાળાની વિધાર્થીનીઓ છે. હજી સુધી કોઈ આતંકી સંગઠને તેની જવાબદારી લીધી નથી.
ઘટના સમયે શાળા છૂટી હતી. અને વિધાર્થીનીઓ ઘરે જી રહી હતી. શાળાના એક શિક્ષકે દાવો કર્યો હતો કે એક કારમાં પહેલા વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ વધુ બે ધડાકા થયા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ રોકેટ હુમલો છે.
એમ્બ્યુલન્સ પર હુમલો
ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારિક અરીયને કહ્યું કે વિસ્ફોટ દશા-એ-બર્ચીના શિયા બહુમતીવાળા ક્ષેત્રમાં સૈયદ અલ-શાહદા સ્કૂલ નજીક થયો હતો. આ પછી, ટૂંક સમયમાં અનેક એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
તે જ સમયે, આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા ગુલામ દસ્તાગીર નઝરીએ જણાવ્યું હતું કે ગુસ્સે ભરાયેલા ટોળાએ એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો હતો અને તબીબી કર્મચારીઓને પણ માર માર્યો હતો. ત્યારબાદ તેમણે લોકોને સહયોગ આપવા અને એમ્બ્યુલન્સ જવા દેવાની અપીલ કરી. એરિયન અને નાઝરી બંનેએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ થયા છે. આ મૃત્યુઆંક વધી શકે છે.
અમેરિકન સૈન્યની પીછેહઠને કારણે પરિસ્થિતિ બગડતી હોવાનો ડર
20 વર્ષ લાંબા અને ખર્ચાળ યુદ્ધ પછી, યુએસ સૈનિકો અફઘાનિસ્તાનથી તેમના વતન પરત આવી રહ્યા છે. 2001 માં, અલ કાયદાના 9/11 ના હુમલા પછી, યુ.એસ.એ અફઘાનિસ્તાનમાં સૈન્ય નું ઉતરાણ કર્યું. અમેરિકાએ આ યુદ્ધમાં 2400 સૈનિકો ગુમાવ્યા હતા. દેશની સુરક્ષા હવે અફઘાન દળો પાસે છે. આવી સ્થિતીમાં દેશમાં સ્થિતિ વધુ વણસવાનો ભય ફરી શરૂ થયો છે. લોકોને ફરીથી તાલીબાની શાશન પાછા ફરે તેવો ભય સતાવી રહ્યો છે.
તાલિબાન હજી સક્રિય છે
અફઘાનિસ્તાનમાં આજે પણ અફઘાન તાલિબાન અને પાકિસ્તાની તાલિબાન સક્રિય છે. સાથે સીરિયાના આઇએસઆઈએસ, હકની જૂથ પણ પાકિસ્તાનથી સુરક્ષિત તાલિબાન જેવા આતંકવાદી સંગઠનોને પણ ટેકો આપે છે. જોકે, તાલિબાન હવે નબળું પડી ગયું છે.