અમદાવાદઃ દેર આયે દુરુસ્ત આયેની કહેવત લાગુ પડતી હોય તો તે અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશનને લાગુ પડે છે. ગામ આખા સહિત રસ્તા પરના ભિખારીઓ પણ ડિજિટલ મોડમાં આવી ગયા છે અને રીતસરની ઓનલાઇન ભીખ માંગી રહ્યા છે શાકભાજીવાળા પણ ક્યુઆર કોડથી પેમેન્ટ લઈ રહ્યા છે ત્યારે રેલ્વેને છેક હવે જ્ઞાન લાદ્યુ છે કે આપણે પણ આ રીતે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કેમ ન કરીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાનું આહવાન કર્યુ છે ત્યારે આ આહવાનને ભારતની ગરીબમાં ગરીબ પ્રજા પણ સ્વીકારવા માંડી છે પણ સરકારી તંત્રો તેને સ્વીકારવામાં કેટલા પાછળ છે તેનો ઉત્તમ નમૂનો રેલ્વેએ પૂરો પાડ્યો છે.
રેલ્વે મંત્રાલય દ્વારા અમદાવાદના રેલ્વે મંડળ દ્વારા ટિકિટના ભાડાં માટે ક્યુઆર કોડની સગવડ શરૂ કરવામાં આવી છે. તેના લીધે ડિજિટલ પેમેન્ટ્સને વેગ મળશે અને મુસાફરોને પણ છૂટા રૂપિયામાંથી રાહત મળશે. આમ ડિજિટલ ઇન્ડિયા અભિયાન શરૂ થયાના આઠ વર્ષ પછી રેલ્વેને જ્ઞાન લાદ્યુ છે કે ક્યુઆર કોડ જેવી સુવિધાનો ઉપયોગ આપણે પણ લોકો માટે કરી શકીએ છીએ.
ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇન શરૂ થયાના સાત વર્ષ સુધી લાખો લોકોને છૂટા માટે હેરાન કર્યા પછી રેલ્વેને હવે કળ વળી છે અને તેણે ક્યુઆર કોડથી પેમેન્ટ લેવાનું શરૂ કર્યુ છે. અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશને રોજના હજારોની સંખ્યામાં મુસાફરો ટિકિટ લેતા હોય છે અને તેમને ટિકિટ ભાડાના પેમેન્ટ માટે ક્યુઆર કોડની સગવડ શરૂ કરવામાં આવી છે.
રેલ્વે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે ક્યુઆર કોડના સ્વરૂપમાં ડિજિટલ માધ્યમની સગવડ શરૂ કરવામાં આવી છે. આ સગવડ અમદાવાદ મંડળના વિવિધ મુખ્ય સ્ટેશનો પર હજી પણ પ્રાયોગિક ધોરણે ઉપલબ્ધ હશે. રેલ્વે મુસાફરો હવે ટિકિટ ભાડાનું પેમેન્ટ કરવા માટે યુટીએસ મોબાઈલ એપ, એટીવીએમ (ક્યુઆર કોડની સગવડ સાથે) પીઓએસ અને યુપીઆઈ જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પો મળી રહેશે.
અમદાવાદ અને ગાંધીધામ રેલ્વે સ્ટેશન પર આ સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અમદાવાદ સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર ચાર કાઉન્ટર અને ગાંધીધામ સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર 3 કાઉન્ટર પર સગવડોનો લાભ મુસાફરો લઈ શકશે. આ ઉપરાંત ગાંધીધામની અનારક્ષિત ઓફિસમાં પણ બે કાઉન્ટરો પર આ સગવડ પૂરી પાડવામાં આવી છે. મુસાફરોને વધુ લાભ આપવા માટે આ સગવડ ભવિષ્યમાં બીજા સ્ટેશનો સુધી લંબાવી શકાય છે.
આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો
આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા
આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે