આજે ગુજરાતમાં 8 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનુ હતુ તે પહેલા જ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે ભાજપ આ 8 બેઠકો પર કેસરિયો લહેરાવશે. આ પેટાચૂંટણીમાં ભાજપે અંદાજ મુજબ પરિણામ બતાવ્યુ છે, જેને લઇને હવે ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે એક પછી એક બે ટ્વીટ કર્યા છે.
હાર્દિક પટેલે પોતાના પહેલા ટ્વીટમાં લખ્યુ છે કે, હાર અને જીતને કારણે વ્યાપારીઓ પક્ષ બદલે છે, વિચારધારાનાં અનુયાયીઓ નહી. લડીશ, જીતીશ અને મરતા દમ સુધી કોંગ્રેસમાં રહીશ.
https://twitter.com/HardikPatel_/status/1326068431796506624?s=20
હાર્દિક પટેલે પોતાના બીજા ટ્વીટમાં લખ્યુ છએ કે, ગુજરાત વિધાનસભાની પેટા-ચૂંટણીમાં જનતાનો નિર્ણય સ્વીકાર્ય છે, હું વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવુ છું. અમે કોંગ્રેસને મજબૂત બનાવવા અને લોકોને વાસ્તવિકતાથી જાગૃત કરવા સંઘર્ષ કરતા રહીશુ. યુવા, શિક્ષા, આરોગ્ય, રોજગાર, ગામ અને ખેડૂતોનાં હક માટે લડતા રહીશું.
https://twitter.com/HardikPatel_/status/1326143869847822343?s=20
વળી આ હાર બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમા તેમણે જનતાનાં જનાદેશનો સ્વિકાર કર્યો. જો કે તેમણે આ સાથે કહ્યુ કે, ગુજરાતમાં લોકો મંદી અને બેરોજગારથી ત્રસ્ત છે, ત્યારે ભાજપે સત્તા, રૂપિયાનો દુરુપયોગ કર્યો છે. ભાજપે સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી હતી. વધુમાં તેમણે કહ્યુ કે, અમે હારનો અભ્યાસ કરીશું. આ હારથી કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ નિરાશ થવાની જરૂર નથી, કોંગ્રેસ સિદ્ધાંતો માટે કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં અબડાસા, લીંબડી, મોરબી, ગઢડા, ધારી, કપરાડા, કરજણ અને ડાંગ આ 8 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસ પાર્ટીનું પરિણામ પહેલા માનવુ હતુ કે, 8 માંથી તેઓ 4 બેઠક જીતશે પરંતુ એક પણ બેઠક કોંગ્રેસનાં પાળે આવી નથી. ભાજપનાં 8 બેઠકો જીતવાનાં કારણે આવનારા દિવસોમાં વિધાનસભામાં ભાજપનાં ધારાસભ્યનું સંખ્યાબળ 111 થઈ જશે. કોંગ્રેસની પરંપરાગત બેઠક કહેવાતી ડાંગ બેઠક પણ ભાજપે કબજે કરી છે અને સૌથી વધુ લીડથી ડાંગનાં ભાજપનાં ઉમેદવારનો વિજય થયો છે.