અમદાવાદ
હાર્દિક પટેલે શનિવારે બપોરે ત્રણ વાગ્યા બાદ આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે. તેના ઘર પરથી જ ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને પાટીદારોએ ધામા નાખી દીધા છે. ત્યારે આજે સોમવારે હાર્દિક પટેલના ઉપવાસનો ત્રીજો દિવસ છે.
અમદાવાદમાં ત્રીજા દિવસે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યુ હતુ કે અમે અમારી માંગણીઓ પુરી કર્યા પછી જ ઉપવાસ છોડીશુ. ‘હાર્દિક પટેલ હારશે નહિ’.
બીજી તરફ કોર્ટ તરફથી હાર્દિક પટેલને રાહત મળી હતી.અમદાવાદના રામોલમાં કોર્પોરેટરના ઘરે તોડફોડ કરવા બદલ હાર્દિક પટેલ પર કેસ દાખલ થયો હતો.હાર્દિક પટેલને આ કેસ મામલે જામીન મળ્યાં છે.જો કે સરકારે હાર્દિકના જામીન રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી જે આજે ફગાવવામાં આવી છે.
આમરણાંત ઉપવાસના કારણે ત્રણ દિવસથી હાર્દિક ભુખ્યો છે, ત્યારે પ્રોટોકોલ પ્રમાણે હાર્દિકની મેડિકલ તપાસ માટે ડોક્ટરની ટીમ પહોંચી હતી. સોલા સિવિલ ડોક્ટરની ટીમ દ્વારા હાર્દિકના સ્વાસ્થ્યની તપાસ કરી હતી.
ડોક્ટર પ્રમાણે હાર્દિકનું બ્લેડ પ્રેશર અને સુગર નોર્મલ છે. ઉલ્લેખનીય છે કે, દર 12 અથવા 8 કલાકે હાર્દિક પટેલની મેડિકલ તપાસ કરવામાં આવે છે. ડોક્ટરે હાર્દિક પટેલને લિક્વીડ લેવાની સલાહ આપી છે.
રવિવારે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું એક ડેલિગેશન હાર્દિકના સમર્થનમાં આવ્યું હતું. જોકે, આજે સોમવારે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ પણ હાર્દિક પટેલની મુલાકાત લઇ શકે છે.
હાર્દિક પટેલ જ્યારથી ઉપવાસ ઉપર બેઠો છે, ત્યારથી કોંગ્રેસના નેતાઓ હાર્દિકને મળવા માટે આવી રહ્યા છે. આજે સોમવારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ હાર્દિકની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા સમર્થકોને અંદર આવતા રોકી દેવામાં આવી રહ્યા છે. આમ પોલીસ સરકારની ચાપલુસી બંધ કરે. આગામી દિવોસમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે.
રવિવારે સોલા સિવિલ હોસ્પિટલના સીએમઓ ડો. પ્રતિક પટેલ બપોરના સમયે હાર્દિક પટેલના ચેકઅપ માટે આવ્યા હતા. જ્યાં તેમણે હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રવિવારે રક્ષાબંધનના પર્વ નિમિતે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને પાટીદાર બહેનોએ રાખડી બાંધી પર્વની ઉજવણી કરી હતી.