Vadodara News: વડોદરામાં વેપારીએ આર્થિક ભીંસના કારણે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા વેપારીએ સ્યુસાઈડ નોટમાં પુત્રને IPS બનવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી.
મળતી માહિતી મુજબ, વડોદરા શહેર નજીક દુમાડ ચોકડી પાસે આવેલ હોટલમાં વેપારીએ આત્મહત્યા કરી હતી. પોલીસને મૃતક પાસેથી સ્યુસાઈડ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, તેમને આપઘાત કરવા મજબૂર કરવામાં આવ્યા છે. અમદાવાદની જના સ્મોલ ફાયનાન્સના રિકવરી એજન્ટો, વ્યાજખોર પિતા-પુત્ર સહિત 4 વ્યક્તિઓ સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં આર્થિક ભીંસનું કારણ અને પુત્રને IPS બનાવવા માટે જણાવ્યું હતું.
મૃતક મહાવીરસિંહ હરિસિંહ સરવૈયા અમદાવાદમાં બોપલ વિસ્તારમાં રહે છે. તેઓ 21 મેના રોજ વડોદરાની તુલીપ હોટલમાં 106 નંબરના રૂમમાં રોકાયા હતા. આ દરમિયાન તેઓએ પોતાના રૂમમાં પંખાના હૂક સાથે દોરડું બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. હોટલના કર્મચારીઓએ તુરંત મંજુસર પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.
વેપારી ખુદ શિક્ષણનાં વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમના રૂમમાંથી 10 પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં જાણવા મળ્યું કે કોરોના કાળ બાદથી વ્યવસાય ઠપ્પ થઈ જતાં તેઓ આર્થિક સંકડામણમાં મૂકાઈ ગયા હતા. બેંકમાંથી લોન લીધી હતી. લોન ભરપાઈ કરી દેવાઈ હતી, તેમ છતાં લેણદારો ઉઘરાણી માટે આવતા હતા.
તેમણે અંતિમ ઈચ્છા તરીકે પુત્રને આઈપીએસ ઓફિસર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મંજુસર પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે અમદાવાદ જના ફાઇનાન્સના રિકવરી કરનારા તેમજ વ્યાજખોર પિતા-પુત્ર સાહર ઇશ્વરભાઇ દેશાઇ, વિશાલ સાહર દેશાઇ, મકાનનો બાનાખત કરી લેનાર જયેશ વાડીલાલ પટેલ સામે ગુનો દાખલ કરી સખ્ત કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: બોટાદ ન.પા.ની મનમાની, વેરામાં વધારો કરાતાં પ્રજા રોષે ભરાઈ
આ પણ વાંચો: આજથી ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ
આ પણ વાંચો: અમુલ અને મધર ડેરીના પગલે બરોડા ડેરી, દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો