અમદાવાદ,
અમદાવાદના નારોલમાં આંગડિયા પેઢીમાં રિવોલ્વર બતાવી લૂંટ ચલાવવાના મામલે ક્રાઇમબ્રાંચે આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી યુપીમાં લૂંટ અને ધાડ જેવા ગુના આચરતી ગેંગનો સાગરીત છે. જેની પાસેથી પોલીસે દેશી તમંચો કબ્જે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, નારોલમાં આવેલી રમેશકુમાર અંબાલાલ પટેલની આંગડિયા પેઢીમાં સાંજના સમયે ત્રણ લોકોએ ઘૂસી રિવોલ્વર બતાવી હતી. કર્મીઓને રૂમમાં પુરી બે થેલામાં રૂ. 17 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
ક્રાઈમબ્રાન્ચે બાતમીના આધારે મહંમદ હારીશ કુરેશીની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી એક દેશી તમંચો, કારતુસ અને બાઈક કબ્જે કર્યું હતું.
લૂંટમાં તોસીમ, મહમદ ક્યુબ, શાહિદ ઉર્ફે બાબા, સહજાદ અને ગુલઝાર નામના આરોપીઓ સાથે મળી લૂંટ કરી હતી. આ ગેંગ ઉત્તરપ્રદેશમાં ગેંગ બનાવી અને લૂંટ, ધાડ, ખૂન જેવા ગુના આચરે છે.
આરોપી તોસીમ અને શાહિદ ઉપર ઉત્તરપ્રદેશ સરકારે 25000નું ઈનામ જાહેર કર્યું હતું. થોડા દિવસ પહેલા જ આ ગેંગ અને યુપી પોલીસ વચ્ચે ફાયરિંગ થયું હતું. જેમાં આરોપીઓ ઈજાગ્રસ્ત થયાં હતાં.