અમદાવાદ,
રાજદ્રોહના કેસમાં સુનાવણી હાથ ધરાતા હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યો હતો. કોર્ટમાં હાર્દિક વિરુદ્વ ચાર્જ ફ્રેમ દાખલ કરવામાં આવી હતી. પરંતુ હાર્દિક ચાર્જ ફ્રેમની સામે પોતાની તીખી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતુ કે ભાજપ સામે યુદ્વ કરવા નીકળયા હોય તેમ અમારી સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવી છે.
25મી ઓગસ્ટ, 2015ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રેલી બાદ ફાટી નીકળેલા તોફાનો અંગે સરકારે પાસ કન્વિનર હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ અને અલ્પેશ કથીરિયા સામે રાજદ્રોહનો કેસ કર્યો હતો.
આ કેસમાં આજે સેશન કોર્ટે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ સામે ચાર્જફ્રેમ કર્યા હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાંચ 18 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે. જેના આધારે ચાર્જફ્રેમ કરાયા છે.
કોર્ટની કાર્યવાહી બાદ હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી તેમજ ભવિષ્યમાં કોર્ટનો જે પણ ચુકાદો આવશે તેને માન્ય ગણશે તેવી વાત કરી હતી. સાથે હાર્દિકે એવું પણ કહ્યું હતું કે, જો ચુકાદો તેની વિરુદ્ધમાં આવશે તો તેઓ ઉપલી કોર્ટમાં જશે.
2015માં અમરોલી પોલીસ સ્ટેશનમાં અલ્પેશ વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. જેના અનુક્રમે ગઈકાલે મોડી સાંજે અલ્પેશને સુરત ક્રાઈમ બ્રાન્ચ ખસેડાયો હતો. જ્યાં આજે ગુજરાત હાઇકોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમને અમદાવાદના કેસમાં હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે.