અમદાવાદ,
બહુચર્ચિત બનેલા જયંતી ભાનુશાળી દુષ્કર્મ કેસમાં થોડી થોડીવારે નવા વળાંકો આવી રહ્યાં છે. સુરતના વરાછા વિસ્તારની યુવતીને કોલેજમાં એડમિશન અપાવવાના બહાને બળાત્કાર કરી તેની વિડિઓ ક્લિપ બનાવવાના મામલામાં ભાજપ (BJP) ના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સુરત પોલીસ શોધખોળ ચલાવી રહી છે.
જોકે જયંતિ ભાનુશાળી ભૂર્ગભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદ આવી હતી. આ દરમિયાનમાં જયંતિ ભાનુશાળીના વધુ એક યુવતી સાથે સંબંધ હોવાની વિગતો સામે આવી છે.
દુષ્કર્મ મામલે જયંતી ભાનુશાળીને CRPC 160 અંતર્ગત સમન્સ પાઠવ્યું હતું. તેમ છતાં તે હાજર થયો નથી. પોલીસ જ્યંતિ ભાનુસાલીને બીજું સમન્સ પાઠવશે તેવી પણ માહિતી મળી રહી છે. દુષ્કર્મ કેસમાં આરોપી જ્યંતિ ભાનુશાળીની દુષ્કર્મ વિવાદની વધુ 2 વીડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તે યુવતી સાથે અંગત પળો માણતો નજરે પડે છે. 2 વીડિયો ક્લિપ FSLમાં મોકલાઈ છે. ક્લીપના FSL રિપોર્ટ પર પોલીસની નજર રાખી રહી છે. જોકે વીડિયોની ‘મંતવ્ય ન્યૂઝ’ પુષ્ટિ કરતું નથી.
સુરત પોલીસ ટીમ આવશે અમદાવાદ
જયંતિ ભાનુશાળી સામે સુરતની યુવતીએ જાતીય શોષણની ફરિયાદ આપી છે. આ કેસ મામલે સુરત પોલીસ અમદાવાદ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ભાનુશાલીના વેવાઈ તરફથી કરવામાં આવેલી અરજીમાં ફરિયાદી યુવતીના માતાપિતાનું બેકગ્રાઉન્ડ તપાસવાની પણ અપીલ કરવામાં આવી છે.
અરજીમાં કોંગ્રેસના નેતાઓ સામે પણ ઘણાં આક્ષેપો લગાવવામાં આવ્યાં છે. પ્રદેશ અને સુરતના નેતાઓના ફોન કોલ રેકોર્ડની તપાસની પણ માંગ કરવામાં આવી છે.
અમદાવાદમાં પીડિતાના પૂર્વ પતિએ પ્રેસ કોન્ફરન્સ કરી પીડિતા રૂપિયાની લાલચમાં અનેક લોકોને ફસાવી ચુકી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેના થોડા જ કલાકોમાં સુરતમાં પીડિતાએ પ્રેસ કોન્ફરન્સ યોજી પૂર્વ પતિના આક્ષેપોને ફગાવ્યાં હતાં. સાથે જ પીડિતાએ પોતાના છૂટા છેડા અંગે કહ્યું હતું કે પૂર્વ પતિ માર મારી દહેજ માંગતો હોવાથી ડિવોર્સ લેવાની ફરજ પડી હતી.