અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ મુદ્દે આખરે 14 વર્ષ પછી ચૂકાદો જાહેર થયો હતો. તમામ દોષિતોની સજા મુદ્દે 14મી ફેબ્રુઆરીના રોજ સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુદ્દે સરકાર તરફથી વકીલો સહિત બચાવ પક્ષની દલીલો પણ કોર્ટે સાંભળ્યા બાદ 49 આરોપીને સજાની સુનાવણી કરી હતી જે મુદ્દે આજે કોર્ટ 49 દોષિતોને સજા સંભાળવવામાં આવશે.
નોંધનીય છે કે, આ દેશનો પ્રથમ કેસ છે જેમાં આતંકવાદી એક્ટ હેઠળ કલમો લગાવી 49 લોકોને દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં લગાવવામાં આવેલી મહત્વની કલમો 302, 307, 120b, સહિત અનેક કલમોનો સમાવેશ થાય છે. આ તમામ કલમો હેઠળ મુત્યુ દંડ એટલે ફાંસી અને આજીવન કેદ ની સજાની જોગવાઈ છે. આજે આ મામલે સ્પેશિયલ કોર્ટના જજ અંબાલાલ પટેલ દ્વારા 49 દોષિત આરોપીઓની સજા અંગે એલાન કરવામાં આવશે.
ઇન્ડિયન પીનલ કોડ 1860 ની કલમ 120(બી), 121(એ), 124(એ), 153(ક)(૧)(ખ), 302, 307, 326, 435, 427, 465, 467, 471, 212 તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એકટ 1908 ની કલમ 3, 5, 6, 7 તથા અનલોફુલ એક્ટિવિટી પ્રિવેંશન એકટ 1967 ની કલમ 10, 13, 16, 18, 19, 20, 23, 38, 39, 40 તથા આર્મ્સ એકટ 1959 ની કલમ 25(1)(બી)(એ), 27 તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000 ની કલમ 65, 66 તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ 1984 ની કલમ 3, 4 મુજબ ગુનો નોંધાયો હતો અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બબ્લાસ્ટ કેસમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77માંથી 51 આરોપી બંધ છે. તમામ આરોપીઓને વીડિયો-કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા હતા.જેલમાં જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે વીડિયો-કોન્ફરન્સથી સુનાવણી ચાલી હતી. દોષિત આરોપીઓમાંથી 32 આરોપી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. સજાની સુનાવણી અગાઉ આરોપીઓના વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે દોષિતોને સુધારાનો અવકાશ છે. એ માટે ઋષિ વાલ્મીકિનો પણ ઉદાહરણ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો, એટલે કે આરોપીઓને સુધરવાની એક તક આપવી જોઇએ, કેમ કે તેઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેથી એ અંગેની વિગતો તેમની પારિવારિક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવા 3 સપ્તાહની માગ કરી હતી.
શું છે સમગ્ર ઘટના?
તારીખ 26 મી જુલાઈ વર્ષ 2008ના દિવસે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. સાંજે 6.30 વાગ્યા થી 8.10 વાગ્યા સુધી અમદાવાદના વિવિધ 20 સ્થળો પર 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં હાટકેશ્વર, નરોડા,સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, ઇસનપુર, ખડીયા,નારોલ સર્કલ, જવાહર ચોક, ગોવિંદ બ્લાસ્ટ, રાયપુર ચકલા, સારંગપુર, બાપુનગર, ઠક્કરબાપા નગર, સરખેજ સહિતના વિસ્તારો હતા. આ ઘટનામાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 240 લોકો ઘાયલ થયા હતા. આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમ રાતદિવસ કામે લાગી હતી, જેમાં આશિષ ભાટિયા, અભય ચુડાસમા, હિમાશૂ શુક્લ, ઉષા રાડા, મુયર ચાવડા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમની મહેનતથી 19 દિવસમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસની ડે ટુ ડે સુનવણી કરવામાં આવતા કોરોનાકાળમાં પણ સુનવણી થઈ હતી.