- મેડિકલ રિપ્રેઝન્ટેટિવ અશોકભાઈ ચાવડા અને તેમની પત્ની ભાવનાનું મોત
- સાત વર્ષની પુત્રી હર્ષિતા અને 18 વર્ષના ભાણેજનો ચમત્કારિક બચાવ
મોરબીઃ મોરબીની પુલ દુર્ઘટનાએ અનેક પરિવારો ખતમ કરી નાખ્યા છે તો અનેકોના પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. લગભગ 150 લોકોનો ભોગ લેનારી આ હોનારતમાં અમદાવાદનું કુટુંબ પણ ખલાસ થઈ ગયું છે. ફક્ત સાત વર્ષની બાળકી જ બચી છે. તેણે આ હોનારતમાં તેના માબાપની છત્રછાયા ગુમાવી છે.
દિવાળીની રજાઓ હોવાથી આંબાવાડીમાં રહેતો ચાવડા પરિવાર ફરવા માટે મોરબી ગયો હતો. પુલ તૂટતા જ અશોકભાઈ અને તેમના પત્ની ભાવના બહેન પાણીમાં પડી ગયા હતા અને ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. જ્યારે તેમની પુત્રી સાત વર્ષની હર્ષિતા ચમત્કારિક રીતે બચી ગઈ હતી. બાળકી ઉપરાંત કુટુંબની સાથે આવેલા 18 વર્ષીય ભાણેજનો પણ ચમત્કારિક બચાવ થયો હતો.
મૃતક અશોકભાઈ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરતા હતા. જ્યારે તેમના પત્ની ઘરે સીવણનું કામ કરતા હતા. આ ઉપરાંત રાજકોટના વસાણી કુટુંબના બાર સભ્યો ઘટનાસ્થળે પુલ પર હાજર હતા. પણ તમામનો આબાદ બચાવ થયો હતો. પરિવારના જેનિસ વસાણીએ સમગ્ર ઘટના અંગે વાત કરતા કહ્યું હતું કે ઘટનાસ્થળે પુલ પર 500થી વધુ લોકો હાજર હતા.
કોઈએ પણ પુલ પર ક્ષમતા કરતાં વધુ લોકોને જતા રોક્યા નહી. આના લીધે જ હોનારત સર્જાઈ. સદનસીબે જેનિસભાઈ અને તેના પુત્રને તરતા આવડતું હોવાથી તેમણ પહેલા પરિવારને બચાવ્યો હતો. તેના પછી અન્ય લોકોને બચાવ્યા હતા. બચી ગયા હોવા છતાં જેનિસભાઈનો પરિવાર હજી પણ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી.
અશ્વિનભાઈ સથવારા રવિવારના દુર્ઘટના બની ત્યારે ઝૂલતા પુલ પર જ હતાં. ઝૂલતો પુલ તૂટીને પડતા જ તેઓએ જીવ બચાવવા દોરડુ પકડી લીધુ હતું અને અડધો કલાકથી વધુ સમય લટકી રહ્યા હતા. અશ્વિનભાઈએ કહ્યું કે આ હોનારતનો દ્રશ્યો જીવનભર ભૂલી નહી શકું, કારણ કે મેં મારી નજર સમક્ષ સાત લોકોને પુલ તૂટવાથી નીચે પટકાતા જોયા છે. અશ્વિનભાઈએ કહ્યું કે લોકો બચાવો બચાવોની બૂમો પાડી રહ્યા હતાં. જોકે પોતે કંઈ ન કરી શક્યા તેને અફસોસ પણ વ્યકત કર્યો હતો.