Gujarat News: ગયા અઠવાડિયે રાજ્યભરમાં ઠંડા પવનો સાથે ભારે ઠંડી જોવા મળી હતી. જોકે, મકર સંક્રાંતિ પછી છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીથી રાહત મળી છે. હાલની પરિસ્થિતિ મુજબ, બપોરે બહાર નીકળતી વખતે ઉનાળા જેવું લાગે છે. આવી સ્થિતિમાં, હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અંગે નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસમાં ઠંડી ફરી આવી શકે છે. આ ઉપરાંત, ઘણા વિસ્તારોમાં માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ 22 જાન્યુઆરીથી, પશ્ચિમી વિક્ષેપને કારણે, દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપ મધ્યમ હોવાથી, 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઠંડીની અસર રહેશે. જેમાં ગુજરાતનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને કચ્છમાં 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં પણ ઠંડીનો અનુભવ થશે.
અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં માવઠાના આગમનની આગાહી પણ કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 30 જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરૂઆત સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠા થઈ શકે છે. જોકે, 27 જાન્યુઆરીથી ઠંડીની તીવ્રતામાં ઘટાડો થવાની સાથે ગરમીનો પણ અનુભવ થઈ શકે છે.
આ પણ વાંચો:રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી
આ પણ વાંચો:ગુજરાતમાં માવઠાની આગાહી, અન્ય રાજ્યોમાં ગરમીનો પારો ઊંચે જશે…