મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર મળેલી જિલેટીન સ્ટિક્સ ભરેલી સ્કોર્પિયો વિશે ફરી એક મહત્વનો ઘટસ્ફોટ સામે આવ્યો છે. અંગ્રેજી ન્યૂઝપેપર ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર એક પ્રાઈવેટ સાયબર એજન્સી તરફથી દાવો કરવામાં આવ્યો છે કે જે કથિત આતંકી ગ્રુપ એટલે કે જૈશ-ઉલ-હિંદની ટેલિગ્રામ ચેનલથી વિસ્ફોટક મૂકવાની જવાબદારી લેવામાં આવી હતી એ ચેનલ દિલ્હીની તિહાડ જેલમાં બનાવાઈ હતી. નોંધનીય છે કે કેન્દ્રના આદેશ પછી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે.
ઓફિશિયલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ખાનગી સાયબર એજન્સીને તપાસ એજન્સી NIAએ એક ફોન ટ્રેક કરવા કહ્યું હતું. આ એ જ ફોન હતો, જેના પર ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી હતી. તેમને તપાસ એજન્સીની ઓળખ આપવામાં આવી નથી, પરંતુ કહ્યું છે કે કેન્દ્રીય એજન્સીએ આ માહિતી દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલને આપી છે.
સિમકાર્ડનું લોકેશન તિહાડ જેલ
ખાનગી સાયબર ફર્મે તૈયાર કરેલા એક સિક્યોરિટી એનાલિસિસ રિપોર્ટના જણાવ્યા અનુસાર, એ ટેલિગ્રામ ચેનલ 26 ફેબ્રુઆરીએ 3 વાગ્યે ટાર નેટવર્ક દ્વારા બનાવવામાં આવી હતી. એનો ડાર્ક વેબનો ઉપયોગ કરવા માટે કરવામાં આવે છે. જે સિમકાર્ડથી આ કરવામાં આવ્યું હતું એનું લોકેશન તિહાડ જેલ આવી રહ્યું છે. ડાર્ક વેબ ઈન્ટરનેટનો એક હિસ્સો છે, જેને માત્ર TOR જેવા નેટવર્કના માધ્યમથી એક્સેસ કરી શકાય છે, નહિ કે પારંપરિક સર્ચ એન્જિન પર.
28 ફેબ્રુઆરીએ વિસ્ફોટકથી ભરેલી ગાડી પાર્ક કરવાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-ઉલ-હિન્દે લીધી હતી. જોકે એના આગલા દિવસે અન્ય એક ટેલિગ્રામ ચેનલથી આ સંગઠને એક પોસ્ટર બહાર પાડીને આ વાતનો ઈન્કાર કર્યો હતો.
વિસ્ફોટક રાખવાની જવાબદારી લેનાર સંગઠને લખ્યું હતું કે આ માત્ર ટ્રેલર છે અને પિચ્ચર હજી બાકી છે. રોકી શકો તો રોકી લો. તમે કંઈ જ કરી શક્યા ન હતા, જ્યારે અમે તમારી નાકની નીચે દિલ્હીમાં હિટ કર્યું હતું, તમે મોસાદની સાથે હાથ મિલાવ્યા, જોકે કંઈ ન થયું. તમને ખબર છે, તમારે શું કરવાનું છે. બસ પૈસા ટ્રાન્સફર કરી દો, જે તમને પહેલા કહેવામાં આવ્યું છે.