Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલનું 6 મહિના પહેલાં આપેલું રાજીનામું આખરે મંજૂર કરવામાં આવ્યું છે. તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપોની વિજિલન્સ તપાસ ચાલી રહી છે, જે 30 દિવસમાં પૂર્ણ કરીને રિપોર્ટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
વિજિલન્સ તપાસ અને ભ્રષ્ટાચારના આક્ષેપો
જીગ્નેશ પટેલ પર નવા ઇકોલોજીકલ પાર્ક બનાવવા, ગાર્ડનના રી-ડેવલપમેન્ટ અને નર્સરીના ટેન્ડરમાં સરકારી નિયમો વિરુદ્ધ કામગીરી કરવાનો આરોપ છે. તેમને શો-કોઝ નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ તેમણે કોઈ ખુલાસો આપ્યો નહોતો. વિજિલન્સ વિભાગે નર્સરીમાં સ્થળ તપાસ પણ કરી હતી, જેમાં ટેન્ડરમાં વિસંગતતા જોવા મળી હતી.
જીગ્નેશ પટેલ સામે કઈ કઈ તપાસ ચાલે છે
- બોપલમાં સ્કીમની જમીનની ખરાઇ કર્યા સિવાય ત્યાં ઇકોલોજી પાર્ક તૈયાર કરવા મામલે શિક્ષા કરવી.
- નવરંગપુરામાં ચંદ્રશેખર આઝાદ ગાર્ડન રી-ડેવલપમેન્ટ માટે કામગીરી બાબતે ચાલતી વિજિલન્સમાં તેમને ચાર્જશીટ ઇસ્યુ કરવામાં આવી.
- બગીચા ખાતામાં ચાલતા ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને કમિશનરે તપાસમાં આદેશ કરતાં વિજિલન્સ વિભાગે રસાલા નર્સરી ખાતે કરેલી તપાસમાં ટેન્ડરમાં વિસંગતતા જણાતાં કારણદર્શક નોટિસ આપવામાં આવી. જેનો હજી સુધી ખુલાસો આપ્યો નથી.
- નર્સરીની એક સમાન કામગીરી હોવા છતાં નર્સરી વાઇઝ અલગ અલગ ટેન્ડર કરી ટેન્ડરની રકમ બમણી કરી દેવામાં આવી હતી. મિનિમમ વેજીસ એક્ટનું તેમજ સરકારના નીતિ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું જે મામલે પણ તેમની પાસે સ્પષ્ટતા માગવામાં આવી હતી. જેનો પણ હજી સુધી ખુલાસો આપ્યો નથી.
ડેપ્યુટી સિટી એન્જિનિયરનું રાજીનામું નામંજૂર
ઉત્તર ઝોનના ડેપ્યુટી સિટી એન્જિનિયર રાજેન્દ્ર પટેલનું રાજીનામું નામંજૂર કરવામાં આવ્યું છે. તેમની સામે પણ વિજિલન્સ તપાસ ચાલી રહી છે, જેનો 90 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે.
એડિશનલ સિટી એન્જિનિયરની કાયમી નિમણૂક
રાકેશ બોડીવાલા, પ્રેમલ શેઠ અને સંજય સુથાર નામના 3 એડિશનલ સિટી એન્જિનિયરને એક વર્ષના પ્રોબેશન પીરિયડ બાદ કાયમી નિમણૂક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: 3 એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાશે; એક 32000KMની ઝડપે આવી રહ્યું છે, વિનાશની ચેતવણી
આ પણ વાંચો: જ્યારે એસ્ટરોઇડ અવકાશયાન સાથે અથડાયું ત્યારે નાસાએ ઇતિહાસ રચ્યો હતો
આ પણ વાંચો: એસ્ટરોઇડ ક્યારે પૃથ્વીની નજીક પહોંચશે?, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો