આણંદ,
આણંદ શહેરમાં કારનાં કાચ તોડી દોઢ લાખની રોકડની ચોરી કરી તેમજ નડીયાદમાં યુવતીને માથામાં મારી ચૌદ તોલા સોનાનાં દાગીનાની લુંટ ચલાવનાર બે આંતર રાજય ગુનેગારોને આણંદ ટાઉન પોલીસે ઝડપી પાડી તેઓનાં રીમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ શહેરમાં અમુલ ડેરી રોડ પર એક બેંકની બહાર બે શખ્સો મોટર સાયકલ પર બેસીને આવતા જતા ગ્રાહકો પર નજર રાખી રહ્યા હતા, ત્યારે પેટ્રોલીંગમાં નિકળેલી આણંદ ટાઉન પોલીસને જોઈને બન્ને શખ્સો ભાગવા જતા પોલીસે તેઓને ઝડપી પાડી તેઓની પુછપરછ કરતા ચાર દિવસ પૂર્વે તેઓએ કારનો કાચ તોડી કારમાંથી દોઢ લાખની રોકડ રકમની ચોરી કરી હોવાનું તેમજ છ દિવસ પૂર્વે નડીયાદમાં બેંકનાં લોકરમાંથી સોનાનાં દાગીના કાઢી ધરે જઈ રહેલી યુવતીને માથામાં બોથડ પદાર્થ માળી ચૌદ તોલા સોનાનાં દાગીનાની લુંટ કરી હોવાની કબુલાત કરતા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા બન્ને આરોપીઓ મૂળ આંધ્રપ્રદેશનાં છે અને છેલ્લા 15 દિવસથી વડોદરામાં મકાન ભાડે રાખી રહેતા હતા અને મોટર સાયકલ લઈ આણંદ ખેડા જિલ્લામાં લુંટ ચોરી કરી પરત વડોદરા જતા રહેતા હતા,પોલીસે તેઓની પાસેથી કારનાં કાચ તોડવા માટેની ટચુકડી ગીલોલ અને લોંખડનાં છરા અને રોકડ રકમ કબ્જે કરી વધુ પુછપરછ હાથ ધરી છે.