પત્નીની કારમાં ઇવીએમ મળવાથી વિવાદોમાં આવેલા આસામના ભાજપ ઉમેદવાર કૃષ્ણેંદુ પૉલનું નિવેદન સામે આવ્યું છે. પૉલે ઇવીએમની ચોરી થયાના આરોપોને ફગાવી દેતા કહ્યું કે તેમના ડ્રાઇવરે પોલિંગ કર્મચારીઓની મદદ કરવા માટે લિફ્ટ આપી હતી. પૉલે કહ્યું કે કાર તેમનો ડ્રાઇવર ચલાવી રહ્યો હતો અને પોલિંગ અધિકારીઓ તરફથી હેલ્પ માંગવા પર તેણે તેને બેસાડી લીધો હતો. કૃષ્ણેંદુ પૉલે કહ્યું કે મારો ડ્રાઇવેર કારમાં હતો. પોલિંગ અધિકારીઓએ તેની પાસે મદદ માંગી હતી અને તેણે મદદ કરી. તે કાર પર એક પાસ પણ લાગેલો હતો, જેમાં લખ્યું હતું કે હું ભાજપનો ઉમેદવાર છું. મને એ વાતની ખબર નહોતી કે પોલિંગ અધિકારીને આ વાતની જાણકારી હતી કે નહીં. અમે તો ફક્ત મદદ કરી હતી.
મહત્વનું છે કે ગુરુવારે રાતે ટ્વિટર પર એક વીડિયો બહાર આવ્યો હતો જેમાં એક ખાનગી બોલેરો કારમાં ઇવીએમ દેખાઇ રહ્યું હતું અને કેટલાક લોકોએ તેને રોક્યું હતું. તપાસમાં ખબર પડી કે આ કાર કરીમગંજ જિલ્લાની પથરકંડી વિધાનસભા સીટથી ભાજપ કેન્ડિડેટ કૃષ્ણેદું પોલની હતી. તો ઇવીએમ રતાબારી ક્ષેત્રનું હતું, જેને પોલિંગ અધિકારી સ્ટ્રોંગ રુમ લઇ જઇ રહ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર પોલિંગ અધિકારીઓએ જણાવ્યું કે તે ઇવીએમને આયોગની કારથી સ્ટ્રોંગ રુમ લઇને જઇ રહ્યા હતા, પરંતુ વચ્ચે કાર ખરાબ થવાના કારણે તેમણે લિફ્ટ લીધી હતી. આ ઘટના બાદ ઇલેક્શન કમિશને 4 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. ખાનગી કારમાં ઇવીએમ મળવાથી ગુસ્સે ભરાયેલી ભીડે હુમલો કરીને ગાડીમાં તોડફોડ કરી હતી. ભીડના હુમલાથી ચૂંટણી અધિકારીઓને બચાવવા માટે પોલિસે દખલ કરવી પડી હતી.