ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા ખેરગામમાં કેટલાક અજાણ્યા લોકોએ કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ પર હુમલો કર્યો હતો. હુમલા બાદ અનંત પટેલના સમર્થકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. આદિવાસી નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યા અનુસાર, તેઓ મીટિંગ માટે જઈ રહ્યા હતા ત્યારે જિલ્લા પંચાયતના વડા અને તેમના ગુંડાઓએ તેમની કારને નિશાન બનાવતા પહેલા તેમની કારને નુકસાન પહોંચાડ્યું હતું, ત્યારબાદ તેમને પણ બહાર કાઢીને માર મારવામાં આવ્યો હતો.
વિરોધમાં લોકો એકઠા થયા
આ હુમલાના વિરોધમાં આદિવાસી સમાજ સાથે હજારોની સંખ્યામાં કોંગ્રેસ સમર્થકોનું ટોળું સ્થળ પર પહોંચી ગયું હતું. તેમણે કેન્ડલ સળગાવી હુમલાનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ધરણા પર બેસી ગયા હતા. તેમણે કહ્યું કે હુમલા દરમિયાન આરોપીઓએ કહ્યું કે આદિવાસી નેતાઓ બને છે, તેથી અમે છોડીશું નહીં. અનંત પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, જ્યાં સુધી જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેના ગુંડાઓ નહીં પકડાય ત્યાં સુધી અમે અહીં વિરોધ કરીશું. ત્યાં સુધી આદિવાસીઓ દ્વારા 14 જિલ્લાના હાઈવે બ્લોક કરવામાં આવશે. ભાજપ સરકારના શાસનમાં જે કોઈ અવાજ ઉઠાવે છે. તેને માર મારવામાં આવે છે અને જેલમાં મોકલવામાં આવે છે. આ હુમલો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે.આ પહેલા પણ ઉનાઈમાં હુમલો થયો હતો.
પોલીસ-વહીવટી તંત્રે પરિસ્થિતિને સંભાળી હતી
જી.પં. પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. જી.પં. પ્રમુખ ભીખુ આહીર પર હુમલાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ભીડને શાંત પાડવાના ખૂબ પ્રયાસ કર્યા પછી પણ દેખાવકારોનો ગુસ્સો શમ્યો ન હતો. નવસારી ડીએસપીએ જણાવ્યું કે ત્રણથી ચાર લોકોએ હુમલો કર્યો હતો. અમે ખાતરી આપીએ છીએ કે ત્રણ દિવસમાં આરોપીઓને સજા અપાવવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.
રાહુલ ગાંધીએ હુમલાની નિંદા કરી હતી
આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીએ લખ્યું કે, ‘ગુજરાતમાં પાર-તાપી રિવર લિન્ક પ્રોજેક્ટ વિરુદ્ધ આદિવાસી સમાજની લડાઈ લડનાર અમારી પાર્ટીના ધારાસભ્ય અનંત પટેલ પર ભાજપ દ્વારા કાયરતાપૂર્ણ હુમલો નિંદનીય છે. આ ભાજપ સરકારનો ગુસ્સો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો દરેક કાર્યકર આદિવાસીઓના હક્કની લડાઈ માટે છેલ્લા શ્વાસ સુધી લડશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા પહોંચશે ખેરગામ
ધારાસભ્ય અનંત પટેલ ઉપર ભાજપના નેતાઓ દ્વારા હુમલો એટલે સમસ્ત આદિવાસી સમાજ ઉપર હુમલા છે. આજે રવિવારે સવારે 10 વાગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, કોંગ્રેસના ધારાસભ્યો ખેરગામ પહોંચી ન્યાય માટેની લડતમાં જોડાશે.
શું છે સમગ્ર મામલો?
વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. સરપંચને મળવા જતી સમયે ઘટના બની હતી. ભાજપના કાર્યકર ભીખુ-રિન્કુ નામના વ્યક્તિ પર હુ્મલાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અનંત પટેલ પર હુમલાના પડયા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને સમગ્ર આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. પોલીસે ઘટનાને પગલે લાઠીચાર્જ કર્યો હતો.