@ નિકુંજ પટેલ
કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત. મંતવ્ય વેબ પોર્ટલ પર આજથી વાંચો સેક્સકાંડ, મર્ડર, રાજકારણ અને કાવાદાવાથી ભરપૂર મર્ડર મિસ્ટ્રી. (ભાગ – 7)
હોશિયાર અને શતરંજના ખેલાડી સમા છબીલ પટેલે દેશ છોડી જવાની વાત ફક્ત પોતાના પરિવારજનો અને ભાનુશાળીને ઢાળી દેવા મક્કમ જયંતી ઠક્કરને જ કરી હતી. તેમાં પણ છબીલે પોતાના ભેજાનો ભરપુર ઉપયોગ કર્યો હતો. છબીલના કાવતરા મુજબ જ્યંતી ભાનુશાળીની હત્યાને અંજામ ન અપાઈ જાય ત્યાં સુધી પોતાની હાજરી દેશની બહાર હોવાનું પ્રસ્થાપિત કરવાનો ઈરાદાપુર્વકનો હેતુ હતો. જેમાં છબીલે 31 ડિસેમ્બર 2018નાં રોજ પોતાના દિકરા સિધ્ધાર્થ પટેલના પર્સનલ ઈ-મેઈલ આઈડી siddharthpatel.Makani@gmail.com પરથી ઈન્ડીગો એરલાઈન્સની ફ્લાઈટ નંબર E6-1305 માં 2 જાન્યુઆરી 2019ની અમદાવાદથી મસ્કતની એર ટિકીટ બુક કરાવી લીધી.
બીજીતરફ શુટર અશરફ અનવર શેખ અને રાજુ ઉર્ફે સીતારામ નારાયણ ધોત્રે 30 ડિસેમ્બર 2018ના રોજ મહારાષ્ટ્ર પૂણેના ભોસરીથી ભૂજ આવવા માટે રવાના થયા. હત્યા માટે અશરફે જ બે પિસ્ટલ અને કાર્ટીજીસ ઉત્તરપ્રદેશના લખનૌથી ખરીદ્યા હતા આ શસ્ત્રો લઈને બન્ને શુટરો સાંજના સમયે મંબઈનાં બાંદ્રા રેલ્વે સ્ટેશનથી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં જનરલ ટિકીટ લઈને ભુજ આવવા માટે નીકળ્યા હતા. ગુનાહિત રેકોર્ડ ધરાવતા શુટરો હત્યા પહેલા કોઈ મુશ્કેલી ઉભી ન થાય અને ઓળખ ન થાય તે માટે જનરલ ડબ્બામાં બેઠા હતા. બન્ને જણાએ 31 ડિસેમ્બર 2018નાં રોજ સવારે અંદાજે નવ વાગ્યે ભૂજ રેલ્વે સ્ટેશન પર ઉતરાણ કર્યું. પ્લાન મુજબ તેમને લેવા શશીકાંત આવવાનો હતો. શશીકાંત કાંબળેને શોધવા તેમની આખો ચકળવકળ થઈ રહી હતી. શશીકાંત કાંબળે પણ બાઈક લઈને તેમને લઈ જવા તૈયાર જ હતો. સ્ટેશનની બહાર આવતા જ તેમને શશીકાંત મળી ગયો અને ત્રણેય જણા બાઈક પર સવાર થઈ ગયા. બાદમાં આ ટ્રીપલ સવારી નારાયણ ફાર્મ ખાતે પહોંચી.
દરમિયાન શાતીર છબીલ પટેલે વિદેશ જવાના આગલા દિવસે રાત્રે 11.57 કલાકે અમદાવાદના પોતાના નિવાસ્થાને પોતે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા તે બે રેગયુલર સેલ નંબરો સ્વિચ્ડ ઓફ કરી નાખ્યા હતા. બીજે દિવસે સવારે 8 વાગ્યે છબીલ પટેલ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડીગો એરલાઈન્સમાં મસ્કત જતો રહ્યો. છબીલ પોતાની સાથે અમદાવાદની સ્પાઈટ જેટ એરફ્લાઈટ નંબર SG-62 ની રિટર્ન ટિકીટ લઈને ગયા હતા.
બીજીતરફ શુટરોએ પોતાનું કામ શરૃ કરી દીધું. જેમાં શશીકાંત કાંબળે, અશરફ અનવર શેખ અને રાજુ ધોત્રેએ તા.1 જાન્યુઆરી થી 3 જાન્યુઆરી 2019 દરમિયાન રોડ રસ્તા, ભૌગોલિક પરિસ્થિતી, રેલ્વે સ્ટેશનો, રેલ્વે રૃટ અને રેલ્વેમાં મુસાફરી કરી હત્યાને અંજામ આપવા રેકી કરવાનું ચાલુ કરી દીધું. દરમિયાન રાજુ ધોત્રેને એક સાજે ઠંડી સાથે તાવ ચડી જતા અન્ય આરોપીઓ ઢીલા પડી ગયા. તાત્કાલિક અશરફ તેને બાઈક પર બેસાડીને નારાયણ ફાર્મથી નજીકના પધ્ધર ગામે ડોક્ટરના ક્લિનીક પર લઈ ગયો. જ્યાં ડોક્ટરે ધોત્રેને તપાસીને જરૂરી દવા આપી. બાદમાં બન્ને પરત ગયા હતા.
3 જાન્યુઆરી 2019ના રોજ મનીષા ગોસ્વામી, નિખીલ થોરાત અને જ્યંતી ઠક્કર બપોરે 2.20 વાગ્યાની ફ્લાઈટમાં આગોતરા આયોજનની તૈયારીના ભાગરૃપે ભૂજ આવ્યા. બીજીતરફ જ્યંતી ભાનુશાળી 3.1.2019નાં રોજ અમદાવાદથી સયાજીનગરી ટ્રેનમાં ભૂજ જવા નીકળ્યા. બીજે દિવસે સવારે પોણા સાત વાગ્યે તેઓ ભાનુશાળી ભૂજ રેલ્વે સ્ટેશન પર ઉતરીને કનકપુર ગામે ફાર્મ પર પહોંચ્યા હતા. જ્યાં આખો દિવસ તેઓ ભાનુશાળી સમાજના લોકોને મળ્યા હતા. અગાઉ રાતા તળાવનો કાર્યક્રમ પુરો થયા બાદ 6.1.2019ના રોજ રાતા તળાવ ખાતે છબીલ પટેલ સાથે સમાધાન માટેની મિટીંગ રાખવા મનજીભાઈ ભાનુશાળી અને જ્યંતી ઠક્કર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું જ્યંતી ભાનુશાળીને જણાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ 5 જાન્યુઆરીના 2019ના રોજ સવારે નલીયા ખાતે ગાયોની રેલી પતાવીને ભાનુશાળી મઉ, માંડવી ફાર્મ પર ગયા હતા. રાતા તળાવ ખાતે અન્ય એક કાર્યક્રમમાં હાજરી આપીને તેઓ સાંજે કનકપુર ફાર્મ હાઉસ પર પહોંચ્યા.