ભગવદ્ ભક્ત ભાનુદાસ આશ્વલાયનસૂત્રી ઋગ્વેદી બ્રાહ્મણ હતા. એમના કુળમાં પરંપરાનુગત પણ્ઢરપુરના ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની ઉપાસના કરાતી હતી. ભાનુદાસના યોગ્ય સમયે ઉપનયન સંસ્કાર થયા. એમની વય દસેક વર્ષની હતી ત્યારે તેમણે એક જીર્ણ મંદિરની ઓસરીમાં બેસી સતત સાત દિવસ ભગવાન શ્રી સૂર્યનારાયણની અખંડ ઉપાસના કરી. આઠમાં દિવસે ભગવાન શ્રી સૂર્યનારાયણે પ્રસન્ન થઇ એમને દર્શન આપ્યા. તેમણે ભગવાન પાસેથી સત્ય, ધર્મ અને ભક્તિ પ્રાપ્ત થવાનું વરદાન માંગ્યું. એ પછી તેમણે ત્રણ ગાયત્રી પુરશ્ચરણ કર્યા.
યોગ્ય સમય આવતા તેમણે ગૃહસ્થાશ્રમમાં પદાર્પણ કર્યું. જો કે તેમને ત્યાં સુધી કોઇ કામ- ધંધો આવડતો નહી. કેટલાક હિતેચ્છુઓએ એમને થોડા રૃપિયા આપી કાપડનો વ્યાપાર શરૃ કરાવ્યો. તે ગામમાં પોતાની દુકાનમાં વેપાર કરતા અને દર આઠમા દિવસે ઘોડા પર કપડા લાદી આસપાસના ગામમાં વેચવા જતા. જે મળે એમાં સંતોષ રાખતા અને એનાથી નિર્વાહ કરતા. તે ક્યારેય જૂઠું બોલતા નહોતા અને કપટ કરતા ન હોતા. એમનું સત્યવ્રત જોઇને કેટલાક કુટુંબીઓ કહેતા- ‘આ ક્યારેય વેપારમાં કશું કમાઇ નહી શકે !’ અને એવું જ થયું. બે વખત એમને વેપારમાં ભારે નુકસાન થયું પણ એમણે પોતાનું સત્યવ્રત અને પ્રમાણિકતાનો ધર્મ છોડયો નહી.
સત્ય અને ધર્મનો પ્રભાવ સમાજ પર પડયા વિના રહે ખરો ? ધીમેધીમે એમની સાખ એવી જામી કે લોકો દૂર દૂરથી એમની જ દુકાને ખરીદી કરવા આવવા લાગ્યા. ચાર-પાંચ વર્ષમાં તો એ અત્યંત ધનવાન થઇ ગયા પણ એમનામાં લેશમાત્ર અભિમાન કે ઉદ્વતાઇ ન આવ્યા. ભગવાનની ભક્તિ તો એવીને એવી જ કરતા. વેપાર કરતી વખતે પણ ભગવાનનું નામ સ્મરણ સતત ચાલું રહેતું. પણ્ઢરપુરની આષાઢી અને કાર્તિકી યાત્રા એ કદી ચૂકતા નહી.
એ અરસામાં અતિ શક્તિશાળી, મહ પરાક્રમી કૃષ્ણરાય વિજયનગરના રાજા હતા. તેમણે ચારે દિશાઓમાં એમનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. એકવાર કૃષ્ણરાય પરિભ્રમણ અર્થે નીકળ્યા હતા. ત્યારે માર્ગમાં પણ્ઢરપુર આવતા ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન કરવા આવ્યા.
ભગવાનના અનુપમ અલૌકિક શ્વીવિગ્રહ (સ્વરૃપે) એમનું મન મોહી લીધું. એમના મનમાં વિચાર આવ્યો- ‘થોડી પળ માટે દર્શન કરવાની મને આટલું બધુ સુખ મળે છે તો રોજ દર્શન કરવાનું તો કેટલું બધુ સુખ મળે ? પણ આટલા મોટા શાસનની જવાબદારી હોય ત્યારે દરરોજ તો દર્શન કરવા ક્યાંથી અવાય ? પણ્ઢરપુર પણ ક્યાં વિજયનગરની નજીક છે ? તો હું આ મૂર્તિ મારી સાથે જ લઇ જઉં ! આટલા શક્તિશાળી રાજાને કોણ અટકાવી શકે ? તેણે પોતાનું ધાર્યું કર્યું. તે ભગવાન વિઠ્ઠલનાથજી મૂર્તિ પોતાની સાથે વિજયનગર લઇ ગયો અને પોતાના મહેલમાં એક નાનું મંદિર બનાવી તેમાં તે પ્રસ્થાપિત કરી દીધી.
પણ્ઢરપુરના ભક્તો ભગવાન વિઠ્ઠલનાથજીના વિરહમાં અત્યંત દુ:ખી થયા. આષાઢી એકાદશીના દિવસે જ્યારે બધા લોકો એકત્રિત થયા ત્યારે કેટલાક લોકોએ સંકલ્પ કર્યો કે જ્યાં સુધી ભગવાન મૂર્તિ પાછી ન આવે ત્યાં સુધી તે મંદિરમાં જ રહેશે. ભગવાનના દર્શન થશે પછી જ ઘેર જશે. આ જ વખતે ભાનુદાસનું આગમન થયું. તેમણે ભક્તોને આશ્વાસન આપતા કહ્યું- ‘હું વિજયનગર જઇને ભગવાનનું સ્વરૃપ લઇ આવું છું.’ મધ્યરાત્રિના સમયે તે રાજમહેલના બહારના ભાગમાં આવેલા મંદિર પાસે પહોંચ્યા. દરવાજા પર તાળા લાગ્યા હતા. તે આપોઆપ ખૂલી ગયા. પહેરેદારો નિદ્રાધીન થઇ ગયા. ભાનુદાસ ભગવાનની સન્મુખ જઇને ઊભા રહ્યા. ભગવાનના ચરણો પર માથું મૂકી પ્રેમાશ્રુ વહાવવા લાગ્યા અને કહેવા લાગ્યા- ‘હે વિઠ્ઠલનાથજી પ્રભુ, હવે તમે મારી સાથે પણ્ઢરપુર પધારો. ભક્તજનો ત્યાં તમારી આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરે છે.’ ભગવાન સ્વરૃપમાંથી સ્વયં પ્રકટ થયા અને પોતાના ગળાનો નવરત્ન હાર એમના ગળામાં પહેરાવી દીધો. પોતાને પણ્ઢરપુર લઇ જવા અનુમતિ આપી.
ભાનુદાસ મૂર્તિ લઇને જઇ રહ્યા હતા ત્યારે કેટલાક સૈનિકોએ એમને જોયા. નવરત્નહાર ચોરીને મૂર્તિ લઇ જવાના આરોપસર એમને પકડીને જેલમાં પૂર્યા. સેનાપતિએ એમને શૂળી પર લટકાવવાની સજા ફરમાવી. ભાનુદાસને લાકડાની શૂળી પાસે લઇ જવામાં આવ્યા. તેમણે વિઠ્ઠલનાથ પ્રભુને આર્તનાદ કર્યો- ‘હે પ્રભુ ! હું તમારા કહેવાથી તમને લઇ જતો હતો અને પેલા નવરત્નહાર તમે જ મને પહેરાવ્યો હતો. મેં ક્યાં એ ચોરી લીધો હતો જેની મને સજા થઇ રહી છે હવે તમે જ મારી રક્ષા કરો.’ ભાનુદાસ આટલું બોલ્યા ત્યાં જ એક ચમત્કાર સર્જાયો લાકડાની જે શૂળી પર એમને લટકાવવાના હતા એના પર પાંદડા ઊગવા લાગ્યા, પુરુષ અને ફળ પ્રગટ થવા લાગ્યા. જોતજોતામાં બે ઘટાદાર વૃક્ષ બની ગયું !
રાજા કૃષ્ણરાયને આ સમાચાર મળ્યા એટલે એ દોડીને ત્યાં આવ્યા. ભાનુદાસે સઘળી હકીકત કહી. આવા મહાન ભગવદ ભક્તને જોઇ તે એમના ચરણોમાં ઢળી પડયા. રાજાએ એમની ક્ષમા માંગી અને ભગવાનની ઇચ્છા પણ્ઢરપુર જવાની છે તે જાણી રત્નજડિત પાલખીમાં ભગવાનને પધરાવી ભગવાન વિઠ્ઠલનાથજીને વાજતે ગાજતે પણ્ઢરપુર વળાવ્યા અને ભાનુદાસના રક્ષણ અર્થે એમની સાથે એક નાનું સૈન્ય પણ મોકલ્યું. ભાનુદાસજી ભગવાનને પાછા લઇ આવ્યા એટલે એમનો જયજયકાર થઇ ગયો. તે વખતથી પણ્ઢરપુરમાં કાર્તિકી એકાદશીના દિવસે મોટા ઉત્સવ સાથે ભગવાન વિઠ્ઠલનાથજીની સવારી નીકળે છે. આ ભાનુદાસજીના વંશમાં જ ત્રીજી પેઢીએ સંત એકનાથજીનો જન્મ થયો હતો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.