ગુજરાત : પોલીસ બેડામાં ભરતીને લઈને કામના સમાચાર સામે આવ્યા છે. PSI અને લોકરક્ષકની ભરતી પ્રક્રિયા થોડા સમયમાં શરૂ કરવામાં આવશે. આ મામલે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લોકરક્ષક અને PSI બંનેની અરજી ફરી મંગાવવામાં આવશે. ઉમેદવારો ઓક્ટોબર, નવેમ્બરમાં શારીરિક પરીક્ષા પાસ કરવાની રહેશે. વિભાગના જણાવ્યા અનુસાર 12,472 જગ્યા માટે 14 લાખ ઉમેદવારો માટે અરજીઓ મંગાવાશે અને ત્યાર બાદ લાયક ઉમેદવારને પસંદ કરવામાં આવશે. ખાસ કરીને આ ભરતી પ્રક્રિયામાં તાજેતરમાં પાસ થયેલા ઉમેદવારને તક આપવામાં આવે તેવી સંભાવના છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ લોકરક્ષક અને PSI માટે શૈક્ષણિક લાયકાત અને ઉંમર જેવા કારણોસર અરજી ન કરી શકનાર લાયક ઉમેદવારની અરજી પણ ધ્યાનમાં લેવામાં આવશે. લોકરક્ષક અને PSI માટે ગ્રેજ્યુએટ અને 12 પાસ કરનારા ઉમેદવારો ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અરજી કરી શકશે. અને ચોમાસા બાદ અરજીમાં પસંદ પામનારની શારીરિક કસોટી લેવામાં આવશે. નોંધનીય છે કે 12મી માર્ચ 2024ના રોજ 12,272 જગ્યાની પોલીસ સંવર્ગની ભરતી બહાર પાડવામાં આવી હતી.
જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSIની ભરતીની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં અને પીએસઆઈની પરીક્ષા અંગ્રેજી માધ્યમમાં લેવામાં આવી હતી. 12,472 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી માટે પોલીસ બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે. તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4422 પુરુષ અને 2187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે. હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ) પદ માટે 1000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવી છે. જેલ સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે.